પૃષ્ઠ:Divasvapna.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪ ]


મેં જોઈ લીધું: “આ છોકરાઓને મારે ભણાવવા છે ! આ મશ્કરા, તોફાની, અક્કડ અને ચિત્રવિચિત્ર !” મન જરા શેહ તો ખાઈ ગયું, જરા છાતી થડકી ગઈ; પણ થયું કે “ફિકર નહિ, ધીમે ધીમે જોયું જશે.”

રાત્રે કરેલી નેાંધ ખીસામાંથી કાઢીને જોઈ લીધી. લખેલું હતું: પ્રથમ શાંતિની રમત; પછી વર્ગની સ્વચ્છતાની તપાસ; પછી સહગાન; પછી વાર્તાલાપ; વગેરે.

મેં છોકરાઓને કહ્યું: “ચાલો, આપણે શાંતિની રમત રમીએ. જુઓ, હું “ ૐ શાંતિ: ” કહું ત્યારે સૌ ચૂપચાપ બેસી જજો. પલાંઠી બરાબર વાળજો. જોજો, કોઈ હલશેાચલશો પણ નહિ. પછી હું બારણાં બંધ કરીશ એટલે અંધારું થશે. સૌ શાંત હશે એટલે આસપાસના ઘોંઘાટો સંભળાશે. એ સાંભળવાની ગમ્મત આવશે. માખીઓનો બણબણાટ સંભળાશે. તમારો શ્વાસોચ્છવાસ પણ સંભળાશે. પછી હું ગાઈશ અને તમે સાંભળજો.”

હું આ બધું બોલી ગયો ને શાંતિની રમત આદરી. “ૐ શાંતિઃ” બોલ્યો પણ છોકરાઓ તો ધક્કાધક્કી ને વાતો કરતા હતા. બેપાંચ વાર બોલ્યો પણ જાણે હવામાં જાય છે! હું મનમાં મૂંઝાયો, “ચૂપ! ગડબડ નહિ!” એમ તો કાંઈ થોડુંક કહેવાય? થપાટ મારીને ડરાવાય પણ કેમ ? પણ હું આગળ ચાલ્યો ને બારીઓ બંધ કરી. અંધારું થયું ને ધ્યાન (!) ચાલ્યું. છોકરાઓમાંથી કોઈ ઉઉં કરવા લાગ્યા, કોઈ હાઉ હાઉ કરવા લાગ્યા, તે કોઈ ધડધડ પગ પછાડવા લાગ્યા. એમાં એક જણે તાળી પાડી ને બધાએ તાળીઓ પાડી. પછી કોઈ હસ્યું ને હસાહસ ચાલી. હું ખસિયાણો પડી ગયો; મેાં ફિક્કું પડ્યું; બારીઓ ઉઘાડી નાંખી ને જરા વાર ઓરડાની બહાર જઈ પાછો આવ્યો. વર્ગ આખો ઊલટો મસ્તીમાં આવ્યો હતો; છોકરાઓ એકબીજાની