પૃષ્ઠ:Divasvapna.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫ ]

સામે “ ॐ શાંતિ” કરતા હતા. કોઈ ઊભા થઈને પોતે જ બારીઓ બંધ કરતા હતા.

મને થયું: “આ મારી નેાંધ ખોટી પડી. ઘરમાં બેઠાં બેઠાં નોંધ કરી કલ્પનામાં ભણાવી દેવું સહેલું હતું; પણ આ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. આ અત્યાર સુધી ઘેાંધાટ ને ધમાધમીમાં ઉછરેલા છોકરાઓ આગળ શાંતિની રમત એટલે હમણાં તો ભેંશ આગળ ભાગવત જેવું થયું. પણ ફિકર નહિ. ચૂક્યા ત્યાંથી ફરીને. સારું જ થયું કે પહેલે જ ગ્રાસે મક્ષિકા આવી. કાલથી નવા ગણેશ માંડીશું.”

હું વર્ગમાં આવ્યો ને છોકરાઓને કહ્યું: “ભાઈઓ, આજે હવે વધારે કામ નહિ કરીએ. કાલથી આપણે આપણું કામ શરૂ કરીશું. આજે તમને રજા.”

“રજા” શબ્દ સાંભળતાં છોકરાઓ હોહો કરતા વર્ગ બહાર ગયા ને આખી નિશાળ ખળભળી ગઈ. “રજા”, “રજા”, “રજા” વાતાવરણમાં ગાજી રહ્યું ! છોકરાઓ કૂદતા, ઉછળતા, ઉલળતા ઘર ભણી ભાગવા લાગ્યા.

બીજા શિક્ષકો અને નિશાળિયાઓ જોઈ રહ્યા: “આ શું છે?” હેડમાસ્તર એકદમ મારી પાસે આવ્યા ને જરા ભવાં ચડાવી કહ્યું: “રજા કેમ પાડી ? હજી બે કલાકની વાર છે.”

મે કહ્યું: “ આજે છોકરાઓ અભિમુખ ન હતા. આજે તેઓ અવ્યવસ્થિત હતા. શાંતિની રમતમાં મેં તે જોયું હતું.”

હેડમાસ્તરે કડકાઈથી કહ્યું: “પણ એમ તમે વગર પૂછ્યે રજા ન આપી શકો. વળી એક વર્ગના છોકરાઓ ઘેર જાય એટલે બીજાઓ કેમ ભણે ? તમારા આવા પ્રયેાગો નહિ ચાલે.”

તેમણે જરા રોફ કરી ફરી કહ્યું: “એ તમારી અભિમુખતા–ફભિમુખતાને જવા દો; અને શાંતિની રમત તો ચાલે મૉન્ટેસોરી