પૃષ્ઠ:Divasvapna.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૯]


છોકરાઓ કહે: “ના, અમે તો રમવા માગીએ છીએ.”

મેં કહ્યું: “ચાલો ત્યારે, આજે તો ખોખો રમીએ. બે જણા ઊભાવડિયા થાઓ ને બીજાઓ પઢી આવો.”

ભેરુ થતાં પાછી કેટલીયે વાર લાગીઃ એક કહે હું ઊભાવડિયો થાઉં ને બીજે કહે હું છેવટ મેં બેનાં નામ નક્કી કરી આપ્યાં ને ભાગ પાડ્યા એટલે રમત ચાલી.

પણ એ તે શેરીમાં રમેલા છોકરાઓની રમત.! કોઈ મોઢામાં જીભ ઘાલીને રમે તો કે ! દરેક નકામો કંઈ ને કંઈ બોલે જ તે. “એ આવો મિયાંજી પકડવા !” “એ પકડ્યાં, પકડ્યાં ! તમારા શા ભાર છે, તે તમે પકડી શકો !” “એ પણે સાચવજો.” “એ ભાઈ, જરા જો તો ખરો, પણેથી પેલો નીકળી જશે.” “અરે ધ્યાન રાખ! જો હું નો'તો કહેતો કે નીકળી જશે ! ભાઈ વાતો કરવા રોકાણા ત્યાં પેલો નીકળી ગયો. જો હારી ગયા !”

મને થયું: “આ તે રમતનું મેદાન કે કોઈ નાતનો વંડો ! આ તે ખેાખોની રમત કે ઘોંઘાટની રમત !”

રમત પૂરી થઈ ને જીતેલા છોકરાઓમાંથી એક બોલ્યોઃ “લો, અમે જીત્યા, લો ! મહેનત તો ખૂબ કરી પણ કાંઈ ચાલ્યું ! સારો ઊભાવડિયો હતો એમાં શું થયું !”

સામાવાળો ખીજાયો ને ઘૂરકયો. તે કહે: “લે હું હાર્યો. હવે શું છે !”

પેલાએ ફરી વાર કહ્યું: “તમે હાર્યા ને અમે જીત્યા ! તમે હાર્યા ને અમે જીત્યા !"

હારનારના મોં પર ગુસ્સો હતો. તે કહે, “બસ! હવે ચૂપ રહેવું છે !- નહિતર આ પથરો લગાવીશ.”