પૃષ્ઠ:Divasvapna.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૦]

બોલું તે વખતે તમારે મારી સામે જોવું, અને બોલી રહું તે બરાબર સાંભળી સમજી લઈ લખી નાખવું; ને પછી પાછું બીજું વાક્ય સાંભળાવા મારી સામે જોવું.” આ રીતે લખાવવા માંડ્યું. પણ જૂની ટેવને એકદમ કેમ ઠીક પડે ! આગળ જતાં તો સૌને એ જ નવી ટેવ પડી ગઈ ને કોઈને ફરી વાર પૂછવું નહોતું પડતું; તેમ હું માત્ર એક જ વાર બોલતો અને ફરીને સંભળાવી પણ જતો નહિ.

ડિકટેશન લખાઈ ગયું ને પાટીઓ નીચે મૂકાઈ તપાસી લીધું ને જાણ્યું કે જોડણીની ભૂલો ઘણી પડે છે, જોડાક્ષરોનું પૂરું ઠેકાણું નથી ને અક્ષરો પણ બરાબર સારા નથી.

મેં કોઈની પણ ભૂલ કાઢી ન હતી. જેમતેમ જોઈને પાટીઓ પાછી આપી હતી. બધા કહે “અમારી ભૂલ કેટલી ? અમારી કેટલી ? અમને ઉપર ચડાવો; ઉતારો.”

એક કહે: "હવે તે લક્ષ્મીરામભાઈ પણ ભણાવશે ને નંબર પૂરશે ને એવું એવું થશે.”

મે કહ્યું: “હું તો કંઈયે એવું કરવાનો નથી. ઠીક છે, તમને સૌને લખતાં આવડે છે ને ઠીક આવડે છે. કાલે વળી ફરી લખજો ને એમ કરતાં બહુ સરસ લખતાં આવડશે, રોજ રોજ લખીએ તો આવડે જ ને ! ને ભૂલો કાઢીને ય શું કરવું હતું !”

એક કહે: “પણ નંબર ને ચડાઊતરી ?”

મે કહ્યું: “આ મારી પાસે વાર્તા સાંભળો છો તેમાં ચડાઊતરી છે?”

“ના.”

“આ રમત રમીએ છીએ એમાં નંબર પૂરવાનું છે?”

“ના.”