પૃષ્ઠ:Divasvapna.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૩]


મારા મનમાં હું સમસમી રહ્યો: “સાબાશ રે સાબાશ હેડમાસ્તર સાહેબને, શાળાને અને શિક્ષણની આજની નિતિરીતિને !” આ બધા એવા છોકરાઓને શોધ્યા છે કે જેમને વિષયો સાથે લેવાદેવા ન હોય. શામજી અને ભીમજીના કંઠ કંઈક સારા છે, ને બ્રાહ્મણના છોકરા છે તે ઘરમાં સંસ્કૃત શ્લોક કંઈક સાંભળ્યા છે, એટલે તેમને પસંદ કર્યા છે. પણ એ બિચારાઓને કેમે કરી કશું યાદ જ રહેતું નથી. તેમનોશ્લોકો ગોખી ગોખીને દમ નીકળી જશે. પણ આવું હોય ત્યાં આવું જ હોય ! હું મનમાં દુઃખ પામતો ઘેર ગયો. જમીને ઊઠું છું ત્યાં ઉપરી સાહેબની ચિઠ્ઠી મળી. “આવી જશો; જરા કામ છે.” આપણે તો જાણતા જ હતા કે શું કામ છે. નારાયણનું નામ લઈ હું સાહેબની ઓફિસમાં ગયો. સાહેબના મોં પર ગુસ્સો હતો. મોં જરા જરા લાલ હતું. ભવાં ચડેલાં હતાં. મૂછો વિનાના હોઠ જરા જરા હલતા હતા. તેઓ ખૂબ નારાજ દેખાતા હતા. મને જોઈ 'બેસો ' કહી બોલ્યા: “કેમ, શા માટે તમારા વર્ગના છોકરાઓએ ભાગ ન લેવો ? એમાં કેટલાએક છોકરાઓ સુંદર ને હોશિયાર છે.”

મારું મન ઠંડું હતું પણ મગજ તેજ હતું, તેથી જવાબ ફેંક્યો: “તે શું, સુંદર છોકરાઓ ને હોંશિયાર છોકરાઓ બીજાઓનું મનોરંજન કરવા માટે છે ! બીજા આગળ નાચીકૂદી શાળાની ખોટી વાહવાહ મેળવવા માટે છે !”

મારો તેજ જવાબ સાંભળી ઉપરી સાહેબ જરા ઠંડા પડ્યા ને કહ્યું: “ત્યારે ? આ કાંઈ નવી વાત નથી. કેટલાં યે વર્ષોથી આ રિવાજ ચાલ્યો આવે છે. મોટા સાહેબ આવે ત્યારે આવું થાય જ છે.”

“માફ કરજો, સાહેબ!” મેં પણ જરા નરમ થઈને કહ્યું: “એમ ભલે થતું આવતું હોય, પણ આપણે તે અટકાવવું