પૃષ્ઠ:Divasvapna.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૫]


નથી જાણતા કે આ બધું તેમની ખુશામત વાસ્તે કર્યું છે ! વળી ઈનામ લેનારા છોકરાઓને ગોખાવ્યું ન હોત અને તૈયાર ન કર્યા હોત તો અમસ્તા તેઓ કેવા અભ્યાસી, શહેરી ને માણસ છે તે આપ, એમનાં માબાપ અને શિક્ષકો સૌ જાણે છે.”

ઉપરી સાહેબ બોલ્યા: “તમે વેદિયા છો. કામકાજમાં સમજતા નથી. તમારે તો બધું સિદ્ધાંતમાં આવી જાય ! પણ અહીં તો બધી બાજુ રાખવાની છે.”

મેં કહ્યું: “તે ભલે રાખો. પણ હું તેમાં ભાગ ન લઈ શકું. મારાથી આ ધાંધલ સહન ન થાય. ”

“તો ?"

“તો મારો વર્ગ એ કામમાંથી બાતલ કરો."

“પણ એમાં તો ભારે મુશ્કેલી પડે, બીજા માસ્તરો અને અધિકારીઓ અને...અને મારી મુશ્કેલી પણ વધે. ઉલટું મને તો તમારા વર્ગના સારા છોકરાઓ જોતાં સાહેબનું મન વધારે રાજી થશે એમ હતું. આ તો......"

મે કહ્યું: “મને તમે આમાંથી તો મુક્ત જ કરો. હું કંઈક સાહેબ મહેરબાનને બતાવવા જેવું કરીશ, અને છોકરાઓનો વખત ન જાય, પ્રાણ તંગ ન થાય અને આ ઢોંગધતૂરા તેમાં કરવા ન પડે તેમ ગોઠવીશ. મારા વર્ગમાં આપ સાહેબ મહેરબાનને લાવજો. મારા મનની ખાતરી છે કે આપ અને તેઓ સાહેબ પ્રસન્ન થશો.”

જરા વિચાર કરી ઉપરી સાહેબે ભીનું સંકેલતાં કહ્યું: “વારુ ત્યારે, એમ કરો. તમને આ કામમાંથી મુક્ત રાખે તેમ હું હેડમાસ્તરને લખી નાખું છું. પણ જોજો, એમને તમે ચીડવતા નહિ. એ જરા જૂના જમાનાના છે; તમે ઉછળતા જુવાન છો. મારે તો તમને બેઉને સાચવવા છે. આ કામ જ એટલું કઠિન છે.”