પૃષ્ઠ:Doshimani Vato.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરે તો ચકરી આવે. જાણે પડી કે પડશે! પણ રાણી તો ભગવાનનું નામ લેતી લેતી. છેવટે કોઠા ઉપર પહોંચી. ઉપર જાય ત્યાં તો રૂપાળા ઓરડા જોયા, ચારેય તરફ ભાત ભાતની શોભા જોઈ. પણ ઓરડાને તાળાં દીધેલાં. જોતાં જોતાં એની નજર એક ચાવીના ઝૂમખા ઉપર પડી. ચાવી લઈને એ પહેલો ઓરડો ઉઘાડવા લાગી. ઉઘાડતી જાય ને એની છાતી થરથર ધ્રૂજતી જાય. ઉઘાડીને જુએ તો જાતજાતનાં સુંદર મેવા અને મીઠાઈ. બીજો ઓરડો ઉઘાડ્યો. અંદર જુએ તો જાતજાતનાં ફૂલ અને તેલ-અત્તર. એના જેવી સુગંધ મૃત્યુલોકની અંદર રાણીએ કોઈ દિવસ નહોતી જોઈ. એ બંધ કરીને ત્રીજો ઓરડો ઉઘાડે ત્યાં તો જાતજાતના પોશાક. એવા કીમતી પોશાક તો પરીઓ જ પહેરી શકે. એમ કરતાં કરતાં સાતમો ઓરડો જ્યાં ઉઘાડે ત્યાં તો રાણી થંભી ગઈ. એના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એનાથી ચીસ પડાઈ ગઈ. એણે શું જોયું? રૂપાળા એક પલંગ ઉપર એનો સ્વામી, પેલો રાજા પડ્યો છે. મોઢું સુકાઈ ગયું છે, શરીર તદ્દન દૂબળું પડી ગયું છે, રાજા બેભાન બનીને સૂતેલો છે. રાણી રોતી રોતી રાજાના શરીર ઉપર હાથ ફેરવતી હતી. ત્યાં તો ‘ઘ૨૨૨, ઘ૨૨૨’ એવો અવાજ સંભળાયો. આકાશમાંથી એક વિમાન ઊતરવા લાગ્યું. રાણીએ તો તરત જ ઓરડો બંધ કરી દીધો અને ચાવી જ્યાં હતી ત્યાં મૂકીને પોતે સંતાઈ ગઈ. વિમાન કોઠા ઉપર ઊતર્યું. અંદરથી એક અપ્સરા બહાર નીકળી. રાજાને ઉપાડી જનાર તે જ અપ્સરા. રાત પડી ગઈ હતી. અપ્સરા આવી ત્યાં તો આખા કોઠાની અંદર એની મેળે દીવા થઈ ગયા. અપ્સરાએ એક પછી એક ઓરડા ઉઘાડ્યા. ખાધું પીધું, શણગાર સજ્યા. ફૂલની માળા પહેરી, માથે સુગંધી તેલ લગાવ્યાં, અને સાતમા ઓરડાની અંદર ગઈ. જઈને સૂતેલા રાજાને પગે કાળો દોરો બાંધ્યો હતો તે છોડી નાખ્યો. રાજા ઊંઘમાંથી ઝબકી ઊઠ્યો. વિલાપ કરતો કરતો રાજા કહે છે કે “રે અપ્સરા! મેં તારો શો અપરાધ કર્યો છે? તું મને આંહીં લાવી છો, પણ મારી વહાલી રાણી શી રીતે દિવસો વીતાવતી હશે? એ મરી ગઈ હશે કે જીવતી હશે?’’ અપ્સરા બોલી, “રાજા! એ રાણીને હવે ભૂલી જા, મારી સાથે લગ્ન કર. જો મારું રૂપ, મારી માયા, મારી શોભા.’’ રાજા તો ઝંખે છે કે મારી રાણી વિના બીજું કંઈ ન જોઈએ’. અપ્સરા કહે, ‘હું તને નહીં છોડું. તું નહીં માને તો તને રિબાવી રિબાવીને મારીશ. આખી રાત આવી રીતે અપ્સરા મનાવે ને ધમકાવે. પણ રાજા માને નહીં. સવાર થયું એટલે ફરીવાર રાજાને પગે કાળો દોરો બાંધ્યો. રાજા બેભાન બનીને પલંગમાં પડ્યો. અપ્સરા વિમાનમાં બેસીને ઇંદ્રલોકમાં ચાલી ગઈ. ડોશીમાની વાતો

39

ડોશીમાની વાતો
૩૯