પૃષ્ઠ:Doshimani Vato.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાણી તો છાતીફાટ રોતી રોતી બોલી: "ના ના, એ બને નહિ." પછી બેય જણાંએ નક્કી કર્યું કે જંગલમાં એક કિલ્લો બંધાવીને તેમાં મણિમાળાને રાખવી. રાજમહેલની પાછળ એક મોટું જંગલ હતું. ત્યાં મોટી મોટી દીવાલોવાળો એક કિલ્લો બંધાવ્યો, ને રાજકુંવરીને એમાં રાખી. રોજ સાંજે રાજા-રાણી બે કુંવરને લ‌ઈને કુંવરીને મળી આવે.

એમ કરતાં ઘણાં વરસ વીત્યાં. રાજારાણી મરી ગયાં, એટલે મોટો કુંવર ગાદીએ બેઠો છે. એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું, "બહેન મણિમાળા બિચારી બહુ દુઃખી થાય છે. નાનપણથી જ આ કિલ્લામાં એને શા માટે પૂરી છે? ચાલો આપણે એને અહીં લ‌ઈ આવીએ." એમ કહીને બન્ને જણા બહેનને તેડવા ચાલ્યા.

મણિમાળાનો આનંદ તો ક્યાંય માય નહિ. એને ભાઈઓ ઉપર ઘણું ઘણું હેત વછૂટ્યું. પછી ત્રણેય જણાં વનમાંથી રાજધાની તરફ ચાલી નીકળ્યાં.

રસ્તામાં કેટલાં કેટલાં ફળફૂલનાં ઝાડ ને કેવાં રૂપાળાં પંખી નજરે પડ્યાં! મણિમાળાએ તો એવાં પંખી કોઈ દિવસ જોયેલાં નહિ. જોઈ જોઈને મણિમાળા હસતી જ જાય ને પૂછતી જાય કે 'આ શું?' 'આનું નામ શું?' પોતાની ધોળી બિલાડીને પણ સાથે જ તેડી લાવી છે. એક ઠેકાણે એણે જોયું તો મોર કળા કરીને નાચી રહ્યો છે. એનાં સુંદર પીછાં સૂરજનાં તેજમાં ચળક ચળક થયા છે. મણિમાળા તો થંભીને ઊભી રહી. પછી બોલી: "ઓહો, કેવું રૂપાળું પ્રાણી! આ શું કહેવાય?" ભાઈઓ કહે: "એ એક જાતનું પંખી. એનું નામ મયૂર." તરત જ મણિમાળાએ હઠ લીધી કે "આ મયૂર બહુ સુંદર. હું પરણું તો એ મયૂરોના જ રાજાને. બીજા બધા મારા ભાઈ-બાપ!"

એના ભાઈઓ કહે: "અરે બહેન, ગાંડીના જેવી વાતો કાં કરે? માનવી તે વળી પંખીની સાથે પરણે ખરાં? મયૂરોને તે વળી રાજા હોય? અને હોય તો પણ અમે એને ક્યાં ગોતવા જઈએ?" મણિમાળા તો એક જ વાત કહે કે 'પરણું તો એ પંખીના રાજાને જ પરણું."

ભાઈઓએ નક્કી કર્યું કે, ચાલો ત્યારે, મયૂર રાજાને ગોતીએ. બહેનને કહે કે, "બહેન, અમે જાશું મયૂર રાજાને ગોતવા. તું અહીં રહીને રાજપાટ સંભાળજે." પછી એ દેશના એક બહુ જ હુશિયાર ચિતારાની પાસે પોતાની બહેનની છબી ચીતરાવી. છબી એવી તો બની કે જાણે મણિમાળા પોતે જ બેઠી હોય ને! હમણાં જાણે એ આંખનો પલકારો મારશે અને એના હોઠ ફફડશે! છબી લ‌ઈને બન્ને ભાઈઓ મોરને દેશ જવા નીકળ્યા.

પણ ક્યાં આવ્યો હશે એ મોરનો દેશ? કોને ખબર? બેય જણા કેટલાં કેટલાં દેશ ભટક્યા, કેટલા કેટલા પહાડ વળોટી ગયા, કેટલા કેટલા વન વીંધ્યાં. પણ ક્યાંય પત્તો મળે નહિ. બેય ભાઈ રસ્તે ચાલતા વિચાર કરે છે કે મયૂરોનો રાજા નહિ મળે, તો તો આપણી બહેન પરણશે નહિ!