પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૨
અજબ ચોર

એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહિ.

એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો.

ચોર કહે : ‘શેઠજી, પૂરું પાણી તો પી લ્યો !’

વાણિયો કહે : ‘બસ ભાઈ, મારે વધારે નથી પીવું.’

ચોર કહે : ‘શેઠ, તમે ભડકો મા. હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.’

વાણિયે પાણી પીધું. ચોર કહે : ‘શેઠ ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.’

વાણિયાના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એ બોલ્યો : ‘ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહિ. લાકડીને ટેકેટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ?’

ચોરે લાકડી ઝૂંટવી લીધી, અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્નો નીકળ્યાં.

દાંત કાઢીને ચોર કહે : ‘શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો યે તમે મારી પાસે ખોટું બોલ્યા ! લ્યો તમારાં રત્ન. મારે એ ખપે નહિ, તમે ક્યે ગામ જાઓ છો ?

શેઠ કહે : ‘ઉજેણી નગરી.’

ચોર કહે : ‘ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હુશિયાર રહે.’

વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા.