પૃષ્ઠ:Doshimani Vato.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાડી ચિરાઈ ગઈ અને એનું ચામડું પણ છોલાઈ ગયું. તોયે એણે ઘોડાની પૂંછડી છોડી નહીં. રાજાનાં માણસો પાછળ છૂટ્યાં. પણ એ દેવતાઈ ઘોડો કાંઈ હાથ આવે? આખો દિવસ રખડી રખડીને સાંજે ઘોડો રાજમહેલમાં આવીને ઊભો. ઘરઘુરી તો ખૂબ રોઈ. પછી કહે “એ બધું આ છોકરીએ જ ઘોડાને શીખવેલું. રાજાને કહેજો કે મારે નથી પરણવું, હું તો આ ચાલી મારે ઘેર. ત્યાં તો રાજા દોડતા આવ્યા. આવીને ઘરઘુરીને કહે કે “માફ ક૨. હું હમણાં જ ગૌરીને તારી પાસે મોકલી દઉં છું. તારી મરજી પડે તેવી સજા તું એને કરજે. રાજકુમારી ગૌરીને બહુ બીક લાગી, પણ પ્રતાપે એને કહ્યું, “બીશો મા, કુમારી ! પરીઓની રાણીને તમે બહુ વહાલાં છો. પછી એક ઘ૨માં એને પૂરીને ચાર દાસીઓએ એને ડાંગે ડાંગે ખૂબ મારી. પણ આહા! કેવી નવાઈ! એ ડાંગના મારથી ગૌરીનાં લૂગડાંના ચીરેચીરા થઈ ગયા, પણ એના શરીરે જરાયે વાગ્યું નહીં. એકેય ડાઘ પણ ઊઠ્યો નહીં. ગૌરીને લાગ્યું કે પરીઓની રાણી એની રક્ષા કરી રહી છે. રાંડ ઘુરઘુરી તો રાણી થઈ. ગૌરીને મરજી પડે તેમ દુઃખ આપે, તોયે રાંડને નિરાંત વળી નહીં. એક દિવસ રાતે ગૌરીને ઊંઘમાં ને ઊંઘમાં એણે જંગલમાં મોકલી દીધી. રાતમાં ગૌરી જાગી, ઘોર અંધારામાં એ છાતીફાટ રોવા લાગી, પણ ત્યાં એનું કોણ? ઘુરઘુરીએ રાજાને કહ્યું કે કાલે ગૌરી નદીએ રમવા ગયેલી ત્યાં પડીને તણાઈ ગઈ. એ સાંભળીને રાજાની આંખમાં પાણી આવ્યાં. નોકર ચાક૨ પણ રોવા લાગ્યા. આ તરફ ગૌરી પોકાર કરે છે કે “હે પરીઓની રાણી! હું તમને ખરેખર જો વહાલી હોઉં તો મારી રક્ષા કરજો’. એટલામાં એ અંધારા વનમાં જાણે ઝાડને પાંદડે પાંદડે દીવા પ્રગટ્યા. સામે જુએ તો કાચનો એક સુંદર રાજમહેલ. થોડી વારમાં તો પેલો પ્રતાપ એક સોનાની ગાડીને બે હરણિયાં જોડીને આવી પહોંચ્યો. એ કહે કે “પધારો રાજકુમારી, પરીઓની રાણીએ તમને તેડવા આ ગાડી મોકલી છે'. હરણિયાંની ગાડીમાં બેસીને ગૌરી એ કાચના મહેલે જવા નીકળી. મહેલમાં જાય ત્યાં તો શરણાઈ વાગી અને ફૂલનો વરસાદ વરસ્યો. પરીઓની રાણી પોતે આવીને રાજકુમારીને અંદર લઈ ગઈ. આવી રૂપાળી અલૌકિક મેડી તો માનવીના દેશમાં ક્યાંય ન મળે. જોઈ જોઈને ગૌરી ચિકત બની જાય. નવાઈની વાત તો એ હતી કે એ મહેલની એક ભીંત ઉપર ગૌરીના જીવતરની વાતો જ ચીતરેલી. જન્મી ત્યારથી આજ સુધી એના જીવતરમાં જે બનેલું તે બધુંય ચીતરેલું. 58 પરીઓની રાણી કહે, “તું મને બહુ જ વહાલી છો, રાજકુમારી! એટલે જ તારાં

ચિત્રો મેં ચીતર્યાં છે, તું આંહીં રહેજે. આ પ્રતાપ મારો દીકરો, એની સાથે તને પરણાવીશ

૫૮
લોકકથા સંચય