પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


આગળ ગયો અને જામફળનું પોટકું જોઇ તેણે પૂછ્યું: “ આ પોટલું ક્યાંથી ?" પદ્માએ કહ્યું: “ આકાશમાંથી પડ્યું !” ઠાકોરે આ હકીકત તો માની નહિ પણ આસપાસ જોઈ “ અરે આમ જામફળ ખવાય ? તાવ આવે," કહી ડોળા કાઢી સૌને હાથ ઝાલી ધધડાવી બધાનાં જામફળ પાડી નાખ્યાં. પછી બધાને શિખામણ દેતો હોય તેમ બોલ્યોઃ “ જો મીઠા વિના જામફળ ખાઇએ તો તાવ આવે. તો જાઓ એક જણ મારા ટેબલમાંથી છરી લઈ આવો ને બીજો કોક ઘેરથી મીઠું લઇ આવો.” કીકો દોડીને છરી લઇ આવ્યો અને ઠાકોર સાથે ભાઇબંધી કરી તેની પાસે બેસી જામફળનાં ચીરિયાં ખાવા લા. ઇન્દુ મીઠું લેવા ગયો હતો તેની ખાસ કોઇએ રાહ તો જોઇ જ નહોતી, પણ્ તે મીઠું લાવ્યો એટલે ઠાકારે “ હાં, ઠીક કર્યું. ડાહ્યો છોકરો." એમ કહી એક પાંદડામાં મીઠું મૂક્યું અને સપાટાબંધ છરી અને મોં ચલાવવા લાગ્યો. જામફળ ઘણાં હતાં પણ તે હવે આખા પોટકાનો ધણી થઈ બેઠો હતો અને કોઇને મીઠાં અને ચીરિયાં કર્યાં વિના ખાવા દેતો નતોતા. તેનું મોઢું ભરેલું હોય તે દરમિયાન જ તેના હાથ બીજા માટે કામ કરતા હતા તે સિવાય બીજાને ખાવાની તક રહી નહોતી. ઈન્દુ બિન્દુ હજી પ્રેક્ષકો જ રહ્યા હતા અને ‘મને’ ‘મને'ના વ્યર્થ ઉચ્ચારો વચ્ચે વચ્ચે કરતા હતા, પણ ટોળામાં કોઇ રોતું નહોતું, કોઈ લડતું નહોતું.

પોટકું પડ્યાને હવે થોડો વખત થયો હશે. કંપાઉન્ડના દૂરના દરવાજે થઇને આ તરફ એક ગામડિયા આવ્યો અને પોટલું માગવા લાગ્યો. ઠાકોરે સૌથી પહેલી ચાલતી પકડી અને ઘરમાં જઈ પાછું પહેલાં પેઠે કૉપીબૂક લખવાનું શરૂ કર્યું.

૬૨