પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુકુન્દરાય


માત્ર ડોક લંબાવી, કોઈએ બહાર કૌતુકની નજર નાખી અને કોઈ એ વૈખરીથી “શું છે? શું છે? કોનું કામ છે” એમ પૂછ્યું પેલા ઠાકરડાએ ફરી નામ દીધું. જાણે તે પ્રશ્ન પૂરો સમજવાને વિદ્યાર્થીઓ મહેતાજીનો પ્રશ્ન જવાબ આપતા પહેલાં નોલે છે તેમ, “કૉણ રઘનાથ કે ? ” એમ બે ત્રણ વાર બોલી એકે કહ્યું: “રધનાથ તો બે છે. રઘનાથ જોશી, પણે જોશી ફળીઆમાં રહે છે; અને રધનાથ ભટ, આ ખાંચામાં, પહેલું ખડકીબંધ ધર."

'રઘનાથ’ નામ બે ત્રણ વાર બોલાતાં એ ઘરમાંથી એક બાવીસેક વરસની વિધવાએ ડોકું બહાર કાઢ્યું. ઠાકરડાના હાથમાં તાર જોઇ તેણે ઘર તરફ મોં કરી કહ્યુંઃ :બાપુ, જુઓ જોઇએ, ભાઈનો તાર આવ્યો લાગે છે. ” બાઈ એ થીંગડાંવાળું પણ ચોખ્ખું અબોટિયું પહેર્યું હતું. તેનું મોં ચિંતાવાળું દેખાતું હતું, અને માથાના વાળ આજે જ કઢાવેલા હતા. છતાં તેના અંગેઅંગમાં સ્ફૂર્તિ અને તંદુરસ્તી દેખાતાં હતાં અને પોતાની સ્થિતિ ઉપરના પ્રભુત્વથી અને અજ્ઞાત કૃતકૃત્યતાના સંતોષથી જે સ્વસ્થતા આવે છે તે તેનામાં હતી.

ઘરમાંથી, પહેરેલી ધાબળીએ, પાઠની ભગવદ્ગીતાનો ગુટકો એમ ને એમ હાથમાં રાખી, તેના પિતા બહાર આવ્યા, અને ઠાકરડા પાસેથી તાર નીચે નખાવી લીધો. બાપ દીકરી ઘરમાં ગયાં. તારવાળો તેમનો ઉદ્વેગ જોઇ શીખની આશા છોડી ચાલતો થયો. રધનાથ ભટ ધોતિયું પહેરી, માથે સફેદ પાઘડી નાખી, ખુલ્લે ખભે એક ધોળું ખેસિયું નાખી, હાથમાં લાકડી લઈ બજાર તરફ ચાલ્યા. ધ્રૂજતા હાથ અને અસ્થિર પગ જોઇ ગંગાએ કહ્યું: “બાપુ ! એમાં ચિન્તા ન કરો. ભાઈને

૭૭