પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
११


અપેક્ષા રાખે છે – એ બાબત સાચી છે. પણ આ દૃષ્ટિને સર્વથા પર્યાપ્ત માનતા પહેલાં એટલું સ્મરણમાં રાખવું જોઇએ કે વાર્તાનું ટૂંકાપણું જે જમાનાઓ ધાંધલ માટે જાણીતા નથી તે જમાનાથી ચાલતું આવે છે અને આ ધાંધલિયા જમાનામાં પણ લાંબી વાર્તાઓ અથવા કથા પહેલાંના કરતાં ઓછી લખાતી કે વંચાતી નથી. આથી જો કે આજના જમાનાની સગવડ ટૂંકી વાર્તા સાચવતી હોવાથી ઉત્પત્તિ અને વાચનની દૃષ્ટિએ એ રૂપ બહુ પ્રચારમાં આવ્યું છે તો પણ ‘મહાન કલ્પકો’એ તેને જે આદર આપ્યો છે તેનું કારણ એ રૂપની કલા તરીકેની વિશેષતામાં શોધવું પડશે.

પદ્યકાવ્યો અને ગદ્યકાવ્યોને મોટા પરિમાણમાં રચવા માટે, મેથ્યુ આર્નોલ્ડ જેને ‘આર્કિટેક્ટોનિક સ્કીલ’ કહે છે તેની, એટલે કે ‘સ્થપતિના જેવી મોટા સમૂહોને એક મહાન યોજનાથી ગોઠવવાની કુશળતાની,’ અપેક્ષા રહે છે. આવાં ગદ્ય કે પદ્ય મહાકાવ્યો રચતા કવિઓ મોટી રચનાઓ દ્વારા પોતાને ઈષ્ટ પરિણામો ઉત્પન્ન કરે છે. પણ કવિતાનાં રૂપોનો અભ્યાસ જેમ ઊંડો થતો જાય છે, તેમ તેમ કવિઓ કવિતાના મોટા ‘શરીર’ કરતાં નાના મોટા માપ વિનાના અથવા બીજી દૃષ્ટિએ વિભુ એવા આત્મા તરફ વધારે ખેંચાતા જાય છે. લાંબા પચાસ લીટીના વર્ણનથી અમુક ‘અર્થ’નો ખ્યાલ અથવા અમુક ‘રસ’નો અનુભવ આપવા કરતાં એક લીટીમાં તે ચિત્ર ખડું કરવાની કે રસનો અનુભવ કરાવવાની કુશળતા તરફ તેનું ધ્યાન વધારે રોકાય છે. લઘુ રૂપો દ્વારા કાવ્યોચિત પરિણામો ઉત્પન્ન કરવાં એ મહત્ત્વાકાંક્ષા કાવ્યના વિપુલ અને ઊંડા સર્જન અને મનનની સંસ્કારી સ્થિતિનું ફળ છે. આ લઘુરૂપ કાવ્યપ્રકાર એ વિશિષ્ટ કાવ્યપ્રકાર છે, અને એ મહાકાવ્યનું સંક્ષિપ્ત રૂપ નથી, એ તત્ત્વ કાવ્યના ઉચ્ચ સંસ્કારવાળા સમાજના કવિઓ અને ભાવકો બન્ને સમજે છે; અને આ પ્રકાર તેના આન્તર વૈશિષ્ટ્યથી