પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલું ઈનામ


"પરદેશી સરકારની પોલિસ સાથે કામ ન જ થઈ શકે."

“ આ તમે અસહકારી થયા ત્યારથી તમને ભૂત ભરાએલું છે."

“ના, એ ભૂત પહેલેથી હતું માટે અસહકારી થયો."

"પહેલાં આવા નહોતા. “

"હા, તમને કેસ આણી આપ્યો ત્યારે ડાહ્યો હતો અને હવે નથી આણી આપતો ત્યારે ડાહ્યો નથી !"

મને હવે હરજીવન અસલ થઈ પડ્યો. પણ સદ્ભાગ્યે અમારા રસ્તા ફંટાયા. અમે સાહેબજી કરી જુદા પડ્યા.

પાંચેક દિવસ પછી હું સવારે એ જ ફૂટપાથ પર જતો હતો. ત્યાં હરજીવન ફૂટપાથના કઠેડા પર તેના નળમાં પગના ફણા ભરાવી બેઠો હતો. મેં કહ્યું. “ તમારા ખૂન વિશેનો મત મને તે તદ્દન ખોટો લાગે છે. તે વિશે 'પ્રજાબંધુ'માં નોંધ આવી છે. તે ઉપરથી તો ખાતરી થાય છે કે અકસ્માત જ હોવો જોઈએ.”

હરજીવનઃ “એ પંચક્યાસ જ ફરી ગયો. મરનારના મોંમાંથી દારૂની વાસ આવતી હતી એ ખોટું છે. મેં મોં સૂંઘી જોયું હતું. અકસ્માત ઠરાવવા માટે એમ લખ્યું છે, અને એ લખવા નવો પંચક્યાસ કર્યો. અમારાવાળો પંચક્યાસ અદશ્ય થયો.”

મેં કહ્યું: “એવું તે હોય !" તેણે કહ્યું "હા એમ જ્ છે અને એ મારે માટે સારું છે." મને એમાં સાર ન લાગ્યો. મારે હજી ફરવા જવાનું હતું અને હરજીવન કાંઇ ત્યાંથી ઊઠે એવો એનો ઢંગ દેખાતો નહોતો. હું ચાલ્યો ગયો.

૧૦૩