પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પહેલું ઈનામ


મેં કહ્યું: "હરજીવન કેવી રીતે હાર્યો ?" પેલા શેઠે કહ્યુંઃ "હારત તો નહિ, ઘણી સરસ કુસ્તી કરતો હતો.” મારી બીજી પાસથી એક માણસે મારો હાથ ઝાલી કાઠિયાવાડી ઉચ્ચારમાં કહ્યું: “ઇ તો વાત જ જાવા દ્યો. જેમ ઓલી કાબર્યું વઢે ના કાબર્યું, એમ ગોટો થઈ ગ્યા તા. કિયો હેઠે કિયો ઉપર કાંઈ વરતાય જ નહિ." હું એની સામું જ જોઈ રહ્યો પણ એને કાંઈ લાગ્યું નહિ. મેં આગળ વાત ચલાવવા પેલા શેઠને કહ્યું: "ત્યારે એમ કેમ થયું ? ” તેણે કહ્યું: "હરજીવન પણ જબરો ઘણો હતો, પણ મહાસુખ વધારે ચપળ હતો એટલે હરજીવન હાર્યો." વળી પેલા કાઠયાવાડીએ કહ્યું: “ એ હાર્યો પણ જીત્યો જ કહેવાય. આજનું આખું કામ ગોઠવ્યું એણે, હલાવ્યું એણે એટલે એ જીત્યો જ કહેવાય." આ વગર પૂછ્યે બોલાતાં હરજીવનનાં વખાણ મારાથી ખમાતાં નહોતાં. મેં કહ્યું: “ ત્યારે તો આ પંચમુખી કુસ્તી હરજીવનભાઇએ ગોઠવી હશે? પંચમુખી હનમાન ઉપરથી નામ પાડયું કે શું ? " પેલા શેઠે કહ્યું: " એ સૌથી સરસ હતું. મહાસુખે એકલે બીજી પંક્તિના ચાર મલ્લોને હરાવ્યા. આટલું જોયું પણ એવું ક્યાંઈ જોયું નહોતું.” મને પણ જિજ્ઞાસા વધી. મેં પૂછ્યું: "એકલે શી રીતે હરાવ્યા ? ” પેલા શેઠે કહ્યું: “ પહેલાં તો અમને લાગ્યું કે આમાં કાંઇ નથી. પેલા લડવા આવે તેમ તેમ મહાસુખ નાસતો। જાય, અમને તા થયું કે આ તો નાસભાગની રમત છે."

“ એટલામાં ઘુમરી દેતાંક ને જે ઝપાટો માર્યોના તે એક તો ચીતાપાટ પડ્યો. ” પેલા કાઠિયાવાડીએ વચમાં ઝુકાવ્યું.મને ચીડ ચઢી, પણ ગમ ખાઇને પેલા શેઠ સામું જોયું. તેણે વાત આગળ ચલાવી.

૧૦૫