પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



નવો જન્મ


ખા ગામમાં સર્વત્ર હાહાકાર થઇ ગયો. ગામની વસ્તી માત્ર બે જ જગાએ હતી. પુરુષો સર્વે શ્મશાને ભેગા થયા હતા અને સ્ત્રીઓ સર્વે ઝમકુકાકીને આંગણે કૂટતી હતી. ગામમાંથી રૂપચંદની લાસ કાઢી ત્યારે ખરે બપોરે પણ ગામમાં પુરુષોની પોકના પડઘા પડ્યા હતા. દરેક મહોલ્લે છોકરાં ભય અને કુતૂહલથી ચકિત નયને આ દશ્ય જોઇ રહ્યાં હતાં. મહોલ્લાનાં કૂતરાં આ ભયંકર અમંગળ અવાજમાં પોતાનો અવાજ પૂરતાં હતાં. શ્મશાનમાં બીજા કોઇ મરણમાં તો માણસો ગામની વાતો કરે, કે મરનારની વાતો કરે, કે ભૂત ભવિષ્ય ઉખાળીને બેસે, સ્મશાન એ નાતનું કે ગામનું એક સ્વાભાવિક સભાસ્થાન છે-~પણ આજે તે વૃદ્ધો ચિતા સામું જોઇ અવાક્ બેઠા હતા, અને કેટલાક યુવાનો મડદું બાળવાના કામમાં અત્યંત વ્યાપૃત હતા તે સિવાય બીજાઓ માત્ર ઝમકુકાકીની, રૂપચંદની અને તેમના ઘરની જ વાતો કરતા હતા. ઝમકુકાકીના પતિ મૂળચંદ શેઠની જાહોજલાલી, તેની ઘરાકી, તેની ઉદારતા, કૈંક વાણિયાને ભીડના વખતમાં તેણે બચાવી લીધેલા, કંઇક બ્રાહ્મણોની દીકરીઓ પરણાવી આપેલી. અભ્યાગત તો તેમને ઘેરથી કદી પાછો ફરે જ નહિ; ઘેર

૧૧૯