પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
१५


કરાવે છે એ ચિત્તશાસ્ત્ર અને રસશાસ્ત્રનો એક ગહન પ્રશ્ન છે અને તેની ચર્ચા અહીંઆં અસ્થાને ગણાય. પણ એટલું સ્મરણમાં રાખવું જોઇએ, કે માણસના જીવનમાં બનાવો અને લાગણીઓ વચ્ચે એક જાતનો કારણ-કાર્યનો સંબંધ બંધાઈ ગયો હોય છે અને જે કવિ આ સંબંધ સમજ્યો હોય છે તે ઉચિત લાગણીઓનો અનુભવ કરાવી શકે છે.

આ ઉપરથી ફલિત થાય છે કે, લાગણીના કોઈના કોઈ રૂપના અમર્યાદિત અનુભવની મુખ્યતા એ સાહિત્યને વાઙમયના બોધપ્રધાન પ્રકારોથી જુદું પાડતું લક્ષણ છે; પણ કથા અને ટૂંકી વાર્તા તેમાંએ ખાસ કરી ટૂંકી વાર્તા બનાવના વર્ણનથી તે તે લાગણીનો અનુભવ કરાવતી હોવાથી મુખ્ય ધ્યાન બનાવોની ઘટના ઉપર આપવું પડે છે. કથા વિગતથી અને વિસ્તારથી બનાવની ઘટના રજૂ કરે છે, જ્યારે ટૂંકી વાર્તા બનાવ અને લાગણીની મુખ્ય સાંકળ બતાવી સંતોષ માને છે. બનાવ અને લાગણીની મુખ્ય સાંકળ પકડવી અને તેમાં બનાવની કડીને એવી રીતે મૂકવી કે જેથી પેલી લાગણીની કડી આપોઆપ હયાતીમાં આવી જાય એ ટૂંકી વાર્તાનું રહસ્ય લાગે છે, અને તેનું માપ પણ નક્કી કરતું દેખાય છે. સૌન્દર્ય અથવા અલંકારનાં બીજાં સાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો-આવશ્યક હોય તેટલો જ ઉપયોગ કરવો-અને અલંકાર (વ્યાપક અર્થમાં)ના મોહમાં ન તણાવું એમાં ટૂંકી વાર્તાની કઠિનતા રહેલી છે. આમ છતાં ટૂંકી વાર્તામાં અસ્પષ્ટતાનો દોષ અક્ષમ્ય ગણાવો જોઇએ; બનાવની સાંકળ સ્પષ્ટ હોય તો જ ચોક્ક્સ પરિણામ આવી શકે.

બનાવ હમેશાં કોઇનું કાર્ય હોય છે. આ કાર્ય એક વ્યક્તિનું હોય કે અનેક વ્યક્તિઓનું સંઘટિત કાર્ય હોય, એથી