હાથમાંથી મેં બાટલી લઈ લીધી હતી અને પછી તમને બધાંને મેં ઈટલીના ચિત્રકારનો દાખલો આપીને આ વાત સમજાવી હતી. એ વખતે પછી તેં કર્ણનો દાખલો આપ્યો હતો.
બહેનઃ કાંઈ નહિ. આમાં પંચ નીમો. બાને બોલાવો. બા કહે તે ખરું. બા, ઓ બા, આમ આવો.
બા આવ્યાં.
બા: કેમ હીરા, શું છે ?
હું: બા, આપણા ઘરમાં -
બહેન : ના, એમ નહિ ચાલે. તમે તો વકીલાત કરીને આડું અવળું પૂછો અને આ તે બિચારાં ભોળાં છે. હું જ પૂછું છું. બા, આપણા ઘરમાં ડાહ્યલો નોકર હતો અને તેને આપણે કાઢી મૂક્યો એ યાદ છે ?
બા: હા; મૂઓ તદ્દન એવો. એક વાર સળગતા સ્પિરિટમાં પાછો સ્પિરિટ નાખતો હતો. હું પાસે બેઠી હતી તે તેની પાસેથી મેં તે બાટલી જ લઈ લીધી. ઠીક થયું, ગયો, નહિ તો કાંઈનું કાંઈ નુકસાન કરત.
હું: વળી આ જુઓ. આ તો બેની લડવાડમાં ત્રીજો ખાઈ જાય. હું અને હીરાને એ જ તકરાર ચાલે છે. હું કહું છું મેં ડાહ્યલાના હાથમાંથી બાટલી લીધી અને હીરા કહે છે મેં લીધી. અને તમને પૂછવા બોલાવ્યાં તો તમે વળી જુદું જ કહો છો.
હીરા : કાંઈ નહિ, બા ! એ ભાઈ આપણને નહિ પહોંચવા દે. નાનાંભાભીને બોલાવો. એ કહેશે એટલે સાચું માનશે. ભાભી, ઓ ભાભી !