મિ. દુર્ગાશંકરે ઘડપણને લીધે વકીલાત છોડી દીધી હતી તે બોલ્યાઃ મારો પહેલેથી જ માસ્તરને સમિતિમાં લેવા સામે વાંધો હતો. સ્કૂલની ઉપરની દેખરેખનું કામ સમિતિનું છે અને માસ્તર સ્કૂલના કામ માટે જવાબદાર છે તેમને સમિતિમાં ન જ રાખી શકાય.
છોટાલાલ ઃ તે તારમાં શું લખે છે ?
મગનલાલ ઃ તા. ૧૭ મી સાંજે ટૂંટિયું થયું એમ લખે છે.
દુર્ગાશંકર : તે મહેરાનપુર ક્યાં આવ્યું ? ત્યાં શું કરતા હશે ?
છોટાલાલઃ મધ્ય હિંદમાં નાનુંશું સ્ટેશન છે. ત્યાં તેના ભાઇ સ્ટેશન માસ્તર છે. ત્યાં આપણા લોકો ખરા વેપારી છે તેમની સાથે ખટપટ કરી શિક્ષક રહી જશે અને પછી વેપારમાં પડશે. તેમાં ભાઈસાહેબ રાકાચા હશે.
દુર્ગાશંકર : આ લોકો તો અસહકારમાં કમાવા જ આવે છે.
એટલામાં રમણલાલ માસ્તર જરા ઠીગાતા ઠીંગાતા આવ્યા. બધાએ 'આવો' ‘આવો’ કહ્યું અને પછી પોતાના મનના વેગનો પ્રત્યાઘાત લાગ્યો હોય તેમ થોડી વાર ચૂપ રહ્યા. છેવટે મગનલાલે કહ્યું: માસ્તર, કાંઈ ટૂંટિયું બરાબર શાળા ઊઘડવા ઉપર જ થયું ?
રમણલાલ : હા. એ બાજુ સખત વાયરા છે. કોઈ ઘર ખાલી નથી, અને કોઇને છોડતું નથી. હું નીકળ્યો તે રાતે મારાં ભાભીને શરીર દુખતું હતું. ઠીક, પણ નિશાળનું કેમ છે? હું તા પરભાર્યો આવ્યો છું. નવો શિક્ષક રાખવાનો હતો તેની અરજીઓ આવી છે? શિક્ષકો બધા હાજર થયા
છે? શાળામાં સંખ્યા કેવી છે?