પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો.


દુર્ગાશંકર : તમે પોતે મોડા આવ્યા પછી બીજાનું તો કહેવું જ શું? અને બીજાને શું કરી શકાય ?

રમણલાલ : શું કરી શકાય કેમ ? બધુંય કરી શકાય. અને મને પણ કરી શકાય. હું તો શાળાનું પૂછવા જ આવ્યો હતો. લ્ચે। જાઉં. અને મારી રજા બાબત તમારે જે વિચાર કરવો હોય તે કરો.

દુર્ગાશંકર : ના, એમ તો શાળાના સર્વ કામ માટે તમે જવાબદાર છો. છતાં સમિતિમાં શાળાની ચર્ચામાં તમે રહો જ છો ના?

રમણલાલ : એટલે? મારે સમિતિમાં ન રહેવું એમ તમારું કહેવું હોય તો હું ન રહું !

છોટાલાલ : ના, ના, અમે ક્યાં એવું કહીએ છીએ ? કેમ મગનલાલ ! આપણે ક્યાં એવું કહીએ છીએ ?

મગનલાલ : ના, આપણે ક્યારે એમ કહીએ છીએ ? બીજી કોઈ જગાએ રાષ્ટ્રીય શાળાના મહેતાજી સમિતિમાં નથી અને તમે છો, છતાં અમે ક્યાં વાંધો લઇએ છીએ ?

દુર્ગાશંકર ઃ ના, સરકારી શાળામાં વેકેશન પછી શિક્ષક નિશાળ ઊધડતાં હાજર ન થાય તો તેની આખી રજા કપાતે પગારે ગણાય છે.

રમણલાલ : પણ રજા સબંધી નિયમો થવા જોઈએ એમ તો હું કહેતો જ આવ્યો છું. એમ ન હોવાથી દરેક રજાની અરજી મારે સમિતિ પાસે લાવવી પડે છે. રજાના નિયમેાની ચર્ચા ચાલતી વખતે તમે જ—

દુર્ગાશંકર ઃ ના, પણ હજુ બધું સ્થિર થાય પછી જ રજાના નિયમો ઘડી શકાય. હજુ આપણી સંસ્થા તો ઊછરતી છે.

૧૨