પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાચી વારતા


નથી. દવાખાનામાંથી આ એક બીજો કાગળ મળી આવ્યો છે તે રજૂ કરવો હું મારી ફરજ સમજું છું. મરનાર કેશરીસિહના મરણ પહેલાંના છેલ્લા શબ્દોની તે નોંધ છે. તેમાં પણ સહી જોશીની જ છે. 'મને નવીએ માર્યો છે એટલા જ શબ્દો તેમાં છે."

'કોર્ટ : "રિપોર્ટમાં લખ્યું છે કે માથાની ધોરી નસ કપાઇ છે. તે કપાયા પછી માણસ જીવી શકે અને બોલી શકે ?"

જવાબ: "ના, ને ગળાની ધોરી નસ કપાઇ હોય તો તરત મૃત્યુ થાય." ‘ ઉલટ તપાસ નથી ’ લખી જુબાની બંધ કરી.

કોર્ટે મંજીરગઢના પોલીસ અમલદારને ફરી બોલાવી પૂછ્યું: "મરનારને ઈજા થયા પછી તે તરત મરી ગયો ? ”

જવાબ " ગુના પછી તરત હું ગયો ત્યારે બેભાન હતો પણ જીવતો હતો."

કોર્ટઃ “ તેની જુબાની લેવા તમે પ્રયત્ન કરેલો ?"

જવાબઃ “ તે ત્રણ દિવસ જીવ્યેા. પહેલા બે દિવસ હું જોવા ગયો ત્યારે તે શુદ્ધિમાં નહોતો. ત્રીજે દિવસે ઇન્સ્પેક્ટર આવ્યા તે જોવા ગયા. તેમણે આવીને બાઇ હરિને કેદ કરી. અને તે પછી સદર કેશરીસિંહ ગુજરી ગયો." કોર્ટે જુબાની બંધ કરી.

“ હવે માત્ર તહોમતદારોની જ જુબાની લેવી રહી. પહેલાં નં. ૧ ની બાઇ રૂખીને ઊભી કરી. તે હાથ જોડી ઊભી રહી. કોર્ટે તેને મોઢું ઉઘાડી નાખવા કહ્યું પણ પહેલાં તો તે ન માની. મેં સમજાવી કે કોર્ટ તો માબાપ કહેવાય ત્યારે મોં ઉઘાડ્યું

૨૭