પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાચી વારતા


કોર્ટ: “તેં એને માર્યો ત્યારે જૂની પર આળ શા સારુ નાખ્યું ? એણે તારું શું બગાડ્યું હતું?"

હરિ “ મેં અને માર્યો ત્યારે અવાજ થયો. તે સાંભળીને જૂની આવી ને ઘર ઉઘડાવવા લાગી. થોડી વાર તો હું કાંઇ ન બોલી અને ન ઉઘાડ્યું. છતાં તે માની નહિ ત્યારે મારે એના ઉપર નાખવું પડ્યું."

કોર્ટ : "ત્યારે તારા ધણીને તે માર્યો કેવી રીતે ?"

હરિ “ કાંઇ વાત ઓઠે વાત નીકળતાં મેં કહ્યું: ‘ આ આંધળા માણસો પોતાનાં ઘર શી રીતે શોધી કાઢતા હશે? જુઓ જોઈએ મને આવડે છે?' એમ કરી મેં મારીઆંખે પાટા બંધાવ્યા અને પછી કહ્યું કે મને તો કાંઇ જડતું નથી. તમે કરો જોઇએ. પછી તેમની આંખે પાટા બાંધી મેં કહ્યું: ‘પાણી લાવો જોઇએ.' તે પાણી લેવા જતો હતો ત્યાં મેં તલવાર મારી.

આ હકીકતથી અમે બધા એટલા બધા થાકી ગયા કે કોર્ટે મુદત પાડી.

ડૉ. ભિડે : “ પછી કેસનું શું થયું ?"

મેં કહ્યું : “ મારી વારતા અહીંજ પૂરી થાય છે. "

મી. સેંધા: "આગળ શી રીતે ચાલે? ખોટી હોય તો ! ડૉક્ટરના સર્ટિફિકેટનો તો ખુલાસો થતો નથી."

મેં કહ્યું : “ પણ તમેજ કહેતા હતા તે દરેક કેસમાં કૈંક્ તો સમજ્યા વિનાનું રહી જ જાય."

મી. સેંધા : "પણ હરિને ખૂન કરવું હોય તેા એના ધણીને મધરાતે જ મારે નહિ? પાટા બાંધવાનું નાટક શા સારુ ભજવે? હું તો આ ન માનું. કેમ મી. પેસ્તનજી, તમને શું લાગે છે ? કેમ ડૉકટર ? ”

૩૩