પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ


ઘરમાં ગયો. મને પાટલા ઉપર બેસાડયા. તરભાણામાં મારા પગ મુકાવ્યા. પછી પંચામૃતથી મારા પગ, ધીમે ધીમે ઠાકોરજીને નવરાવે તેમ આચમનીએ આચમનીએ ધોયા અને છેવટે અર્ધ્યપાદ સતી પી ગઇ. પછી આરતી ઉતારી. આ ક્રિયા દરમિયાન મને અનેક ભય શંકા તિરસ્કાર થયા જ કરતા હતા. મને લાગતું હતું કે હું ક્યાંક ગાંડો થઇ જઇશ. કોઈ પણ માણસને ગાંડો કરવાની સહેલામાં સહેલી રીત તેને પગે પડવું એ છે. એ જ રીતથી મહેતાજીઓ પતુજી બન્યા છે, રાજા, વાજા અને વાંદરાં જેવા બન્યા છે, ધર્મગુરુઓ અમાનુષ બન્યા છે!

આ ક્રિયાથી મને નવી ચિંતા ઊભી થઇ. પ્રાતવંદન તો ખાનગી ક્રિયા હતી અને આ તો જાહેર તહેવારનું રૂપ લેશે એમ લાગતું હતું. વળી માસિક લગ્નતિથિએ આટલી વિધિ તો વાર્ષિકમાં શું થશે એ કલ્પનાએ હું ધ્રુજવા લાગ્યો. ગમે તેમ કરીને આનો કાંઇક રસ્તો કાઢવો એમ નક્કી કર્યું અને મારા સઘળા અભ્યાસ અને કલ્પનાનો ઉપયોગ કરીને માર્ગ શોધી કાઢ્યો. રાત્રે સતી પાસે જઈ મેં કહ્યું: “ સતી ! જેમ તમારો હું પ્રભુ છું તેમ મારે પણ ઇશ્વર પ્રભુ છે. જેમ તમે તમારા પ્રભુની પૂજા કરો છો. તેમ મારે મારા પ્રભુની કરવી જોઇએ. પણ તમે મારી પૂજા કરો એટલો વખત મારું ધ્યાન ઈશ્વરપૂજનમાં રહી શકતું નથી. માટે મને એક બીજો ઉપાય સૂઝે છે. ઈશ્વરનું પૂજન જેમ મૂર્તિથી કરીએ છીએ તેમ તમે પણ મારું પૂજન મૂર્તિથી કરો. તમને હું મારો ફોટોગ્રાફ આપું તેનું તમે નિત્ય નાહીને પૂજન કરો. અને લગ્નતિથિએ પણ તેનું જ પૂજન કરો. તેથી આપણા બન્નેનું કલ્યાણ થશે. સતીને આ વાત ગળે ઊતરી. તે

૫૩