“ના, ના, ઊજમે જેમ મારા જેવાને નિયમિત કર્યો તમે હવે કોઈ બૈરીને પરણીને તેને નિયમિત બનાવો.” ફરી બધાં હસ્યાં.
ઊજમે કહ્યું : “એ તે અમથા એમ કહે છે. બાકી તમારા જેવું નિયમિત જગુભાઈ, કોઈથી ન રહેવાય એટલું તો ખરું. મને પણ નવાઈ લાગે છે કે તમે શી રીતે આટલા બધા નિયમો સતત પાળ્યા કરો છો? કોઈ દિવસ તમને અણગમો કે કંટાળો કે કંઈક નિયમ બહારની વસ્તુ કરવાનું મન પણ નથી થતું ?”
હવે જગુભાઈએ જરા ગંભીર થઈ પોતાની ફિલસૂફી સમજાવીઃ “એક સળગતો કાલસો મૂક્યો હાય તો એ પડ્યો પડ્યો ધીમે ધીમે કાજળી જાય. તેને ફૂંક મારીને જેમ તેની રાખ ઉડાડી મૂકીએ, તેમ ધ્યેય ઉપરની રાખે વારંવાર ઉડાડતા રહેવું જોઈએ, ને એ પ્રમાણે આચરણ કરતાં રહેવું જોઈએ.”
“પણ એકલા એક કોલસાને વારંવાર ફૂંક્યા કરીએ તો એ વહેલો બળી જાય. સાથે બીજા કોલસા હોય તો જ તે ઝગ્યા કરે.” સરસ્વતીએ પોતાના રસોડાના અનુભવથી કહી નાંખ્યું. એનો અર્થ અહીં કંઈ થાય કે નહિ, થાય તો શો થાય, તે અર્થ કેટલે સુધી લઈ જવો એ કશું જ વિચાર્યાં વિના તેણે કહી નાંખ્યું. ને બધાં ખૂબ હસી પડ્યાં. હેમુ દૂર ફરતો ફરતો રમતો હતો તે પણ નાચતો કૂદતો આવીને એકવાર ઊજમને બાઝી પડ્યો ને પછી સરસ્વતી પાસે આવીને કૂદવા લાગ્યો.
માજીએ એનો પોતાની મરજી પ્રમાણે અર્થ કરી કહ્યું : “જો સાંભળ્યું ? સાથે બીજો કોલસો જોઈએ. તે લઈ આવ.”
એમ ઘણો વખત વાતો ચાલી. ચાપાણી થયાં. જગુભાઈ અને સરસ્વતીએ ચા ન પીધો. માજી સાધારણ રીતે ન પીતાં પણ