પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
જગજીવનનું ધ્યેય.

કહ્યું, ત્યારે સરસ્વતીએ દસેક દિવસ રાહ જોઈ પછી બોલાવવા કહ્યું. દસેક દિવસ પછી દાક્તરને બોલાવવા માણસ મોકલ્યો તો દાકતર બહારગામ ગયેલો હતો, અને તેની જગાએ બીજા દાક્તરને બોલાવવાની સરસ્વતીએ ના પાડી. દરમિયાન જીનની મોસમ આવી લાગી. જગુ વગેરે પુષ્કળ કામમાં પડી ગયાં. સરસ્વતીએ દાક્તરનું સંભાર્યુ નહિ, અને તેની તબિયત બગડતી ચાલી, માજીએ ફરી દાક્તરનું યાદ કર્યું ત્યારે જગુએ બોલાવ્યો.

દાક્તર આવ્યા અને સાથે તેની બહેન તાજી નર્સ થઈ હતી તેને પણ લેતો આવ્યો. દાક્તરે તપાસીને જાણે ન સમજી શકતો હોય તેમ ભવાં ચડાવ્યાં. તેણે કહ્યું, “તમે બરાબર ખાઓ, તમને સારું થઈ જશે, ખાવાનું ન ભાવે તો પણ ખાઓ.” તેની બહેન બધું જોયા કરતી હતી. તેણે અંગ્રેજીમાં કહ્યું : “પણ બાઈ કદાચ બે જીવવાળી હોય !”

દાક્તરે અંગ્રેજીમાં જ જવાબ આપ્યો, “પણ બાઈ કુમારિકા છે. એના સંબંધી એવો અભિપ્રાય બાંધતાં વિચાર કરવા જોઈએ.”

વાતચીત અંગ્રેજીમાં જ થઈ હતી પણ અંગ્રેજી નહિ જાણનાર માજી અને સરસ્વતી બન્ને વાતનું રહસ્ય સમજી ગયાં. માજીએ જગુની સામે મૂંઝવણ અને રોષથી જોયું અને સરસ્વતી પોતાની આંગળીઓનો કંપ છુપાવી શકી નહિ. તેને શરીરે પરસેવો વળી ગયો.

હમણાં તો ખાવા પીવાની સંભાળ રાખો, પછી મને જરૂર પડે. તો ફરી બોલાવજો, કહી ડાક્ટર અને તેની બહેન બન્ને ઊઠી ચાલ્યાં. તેમના ગયા પછી થોડીવાર જગુ, માજી અને સરસ્વતી ત્રણેય જાણે ખુરશીમાં જડાઈ રહ્યાં. સૌથી પહેલા જગુ કામનું બહાનું કાઢી ઊઠ્યો. માજીએ સરસ્વતીને પૂછ્યું અને સરસ્વતીએ જણાવ્યું કે મને કોઈવાર એમ થાય છે.