પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ.

સિવાય બીજું કશું નથી, અને એ બન્ને વાસનાઓ પણ તદ્દન સાદા અને જંગલી, કહો કે એક સરખા રંગરૂપવાળી, અથવા કહો કે રંગરૂપ વિનાની ચીતરાઈ છે.”

મેં કહ્યું : “અને હું અત્યાર સુધી કહેતો નહોતો, પણ મારું એ જ કહેવું છે. આપણા વિવેચકોમાં કે વિચારકોમાં નવીન માનસશાસ્ત્રને જાણવાનો દાવો કરનાર એક વર્ગ એમ માને છે કે મનુષ્ય—સંસ્કૃતિને લીધે આપણી સર્વ વૃત્તિઓ વક્ર થઈ ગઈ છે, વિરૂપ કે વિકૃત થઈ ગઈ છે, અને આપણે તેને સાચા સ્વરૂપમાં અનુભવી શકતા નથી. તો મારું એ કહેવું છે કે મનુષ્યજીવનના અનુભવનું જે કાંઈ વૈવિધ્ય કે સમૃદ્ધિ છે, જે જ માત્ર કલા અને આનંદની સામગ્રી છે, તે સર્વ એ સંસ્કૃતિને આભારી છે. જેમ સૂર્યનું કિરણ અનેક ઉપાધિમાંથી પસાર થવાથી જ અગણિત રંગો બને છે, તેમ એ વૃત્તિઓ સંસ્કૃતિની ઉપાધિઓમાંથી પસાર થવાથી જ અનેક સ્વરૂપ આકાર રંગ ધારણ કરે છે, જેમાંનાં કેટલાંક રૂપો કદાચ મનુષ્યસ્વભાવને હાનિકારક એટલે રોગિષ્ઠ, જેને આપણે વિકૃત Perverse કહીએ એવાં પણ હોય. પણ એ સર્વ સમૃદ્ધિ એ સંસ્કૃતિને જ અધીન છે.”

ધનુભાઈ : “પણ તમારી વાર્તામાં તમારા સ્વીકાર પ્રમાણે જ તમે વક્તવ્ય કહી શક્યા નથી. કૂતરાનું જીવન કેવું છે એ તમે મનુષ્યના દૃષ્ટિબિન્દુથી જોઈને કહેલું છે એટલે પ્રાણીજીવન વ્યક્ત કરવાનો તમારો દાવો ખોટો પડે છે.”

“એ પણ મારું વ્યક્તવ્ય જ છે. મારે એમ પણ કહેવાનું છે કે જેમ ઇતિહાસનું કદી પુનરાવર્તન થતું નથી, તેમ એ મનુષ્ય-સંસ્કૃતિ પહેલાંની વૃત્તિઓ આપણે હવે અનુભવી શકીએ જ નહિ. જે આપણે પાછળ મૂક્યું છે તે હવે કદી ફરી આવી શકે જ નહિ એક દાખલો આપું. માનસશાસ્ત્ર કહે છે કે આપણે દૃષ્ટિથી દૂરાદૂરતા, અંતર કહીએ છીએ તે પ્રત્યક્ષ નથી પણ અનુમાન છે. પણ અત્યારે એ અનુમાનને ટેવાયેલી આંખ અંતર વિનાનું ચાક્ષુષ પ્રત્યક્ષ કરી શકતી