પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
બુદ્ધિવિજય.

દેખાયો. હવે તેણે ટાપટીપ છોડી દીધી હતી અને શાસ્ત્રાધ્યયન ઉપર તે વધારે ધ્યાન આપતો હતો. ગુરુની સેવા પણ તે વધારે નિષ્ઠાથી કરવા લાગ્યો હતો. એક દિવસ બુદ્ધિવિજય ગુરુની ઉપચર્યા કરતાં કંઈક વિચારમાં પડી ગયો ત્યારે ગુરુએ પૂછ્યું : “કેમ, શા વિચારમાં પડી ગયો છે ?”

“જી, આપનાં વચનોનું મનન કરું છું.”

“કયાં વચનો ?”

“નહિં, આપે તે દિવસે મહારાજાની સાથેની વાતચીતમાં કહેલાં ! આપે તો વાતચીતમાં કહેલાં પણ સંયમધર્મનો બધો ઉપદેશ એટલામાં આવી જાય છે. આપે ડૂબકી મારવાની અને તરવાની વાત કરી તે બરાબર છે ! કેવું સુંદર દૃષ્ટાંત !”

અહિત કરનાર તરફ ક્રોધ ન કરવો એ દુષ્કર છે, પણ ક્રોધ પણ જીતી શકાય છે. ખુશામત જીતી શકાતી નથી ! ગુરુ બુદ્ધિવિજય ઉપર પ્રસન્ન થઈ ગયા. ધીમે ધીમે તેના તરફ મમતા વધી. ધીમે ધીમે બુદ્ધિવિજયને તેમણે સર્વે છૂટ આપી. આખો પુસ્તકભંડાર હવે તેને માટે ખુલ્લો હતો. ગુરુએ પોતે વાંચેલી જ પોથીઓ વાંચવા તેણે લાડથી માગણી કરી અને ગુરુએ પોતે વાંચેલી પોથીઓ ભંડારમાં ક્યાં છે તે બતાવી. તે એક એક પોથી ખોલી જોઈ ગયો. તેમાંની એકમાંથી તેને સુવર્ણવર્ણપ્રયોગનાં ચાર પાનાં મળ્યાં. એ એ જ પ્રયોગ હતો. તે છાનોમાનો એ પ્રયોગ અનેક વાર વાંચી ગયો. અનેક ગ્રંથો અને કોષોના આધારે તે બધું સમજી ગયો, માત્ર એક શબ્દ તેને ન સમજાયો.. ‘આ आटविक એટલે શું?’ સાધારણ અર્થ તો ‘જંગલનો માણસ’ પણ એ અર્થ અહીં બેસતો નહોતો જ ! તેણે ગુરુ પાસે કોષગ્રંથનું અધ્યયન શરૂ કર્યું. થોડા જ દિવસમાં आटविक શબ્દ આવ્યો. ગુરુને પૂછ્યો. ગુરુએ કહ્યું, આટવિક એટલે જંગલમાં રહેનારા— જંગલના રાજા, ઠાકરડા એ અર્થ પણ થાય. પણ એ અર્થ પ્રસિદ્ધ હતો,