પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
દ્વિરેફની વાતો.


ગિરજાને ઊંઘ ન આવી. ઉપર કેશવરામ જાગતો જ હતો. જુદાં જુદાં દ્રવ્યો હોમાયાની વાસ આવ્યા જ કરતી હતી. ગિરજા મધરાતે ફરી દૂધ જોવા ધીમેથી દાદર ચડી, ધીમેથી હાથ ઊંચો કરી દૂધના વાસણને અડાડવા જાય છે ત્યાં તેણે કેશવરામનો અવાજ સાંભળ્યો.

“કીલાભટ્ટને એનું જુઠ્ઠાણું રૂંવે રૂંવે ફૂટી નીકળે. અને એ રિબાઈ રિબાઈને મરે. હવે બસ. જા અદૃશ્ય થા.”

ગિરજાએ એ સાંભળ્યું. ઉપરથી વજ્ર પડ્યું હોય એમ તે દાદરથી લથડીને ધમ્મ દઈને નીચે પડી. કેશવરામે દોડતાં દાદર ઊતરી તેને ખેાળામાં લીધી. મોંએ, શરીરે પંપાળી, ધીમેથી નીચે મૂકી, પાણી લાવી, ફરી ખોળામાં લઈ તેના મોં પર ધીમા પાણીનો છંટકાવ કર્યો. ધીમે ધીમે ગિરજા શુદ્ધિમાં આવી. તેણે આંખો ઉઘાડી અને જાણે કોઈ અજાણ્યાને જોતી હોય તેમ કેશવરામ તરફ જોયું. કેશવરામે ફરી પંપાળી આશ્વાસન આપ્યું. અને બરાબર શુદ્ધિમાં આવી ત્યારે તેને પૂછ્યું : “કેમ અંધારાં આવ્યાં ? બરાબર ખાતી નહિ હો.”

“તમે માગી માગીને આવું માગ્યું!”

“અ૨૨૨, તું સાંભળી ગઈ! મેં તને ના પાડી હતી તો પણ ઉપર આવી ?”

“બે દિવસથી તમે દૂધ પીતા નહોતા. તમે પીધું કે નહિ તે જોવા આવી હતી. ત્યાં મેં આ સાંભળ્યું.”

“ભૂડું થયું અલી !. હું કાંઈ ધારતો હતો ને કંઈ થઈ બેઠું. તને એ શું સૂઝ્યું ?”

ગિરજા બેબાકળી બની ગઈ. એ ધ્રૂજતા, જરા લાંબા દેખાતા, હાથ ઊંચા કરી કેશવરામને ગાલે અડાડી તે બોલી : “શું થઈ ગયું ? કહો, તમને કંઈ થશે?”