પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
દ્વિરેફની વાતો.


ટોપલા આગળ ભેગાં થતાં જ સ્ત્રીએ ટાપલો ઉઘાડી અંદરથી એક જ આંચકે, એક મરેલું બાળક પકડી હાથ ઉછાળ્યો! તે સ્ત્રીની નજરથી પુરુષે પણ પોતાનો હાથ ઊંચો કરી તે મરેલા બાળકને બીજા કોઈ અંગથી પકડ્યું. અને પછી મેં કદી નહિ જોયેલું એવું, એક રૂમાલને પકડીને બે જણાં નાચતાં હોય તેમ એ બાળકને પકડીને, બન્નેએ એક ભીષણ નૃત્ય કર્યું.

હું નૃત્ય તો બીજો શબ્દ નહિ મળવાથી કહું છું. બાકી એમાં કલા નહોતી, સૌંદર્ય નહોતું, માત્ર બંને જણાં ખૂબ જોર અને આવેગથી કૂદતાં હતાં અને અમળાતાં હતાં. શરીરને પ્રતિકૂળમાં પ્રતિકૂળ આમળા આપવા અને આડુંઅવળું ખૂબ કૂદવું, હાથપગને ગમે તે દિશામાં જોરથી વીંઝવા, હલાવવા અને પેલા મરેલા છોકરાને સામસામું ખૂબ ખેંચવું એમાં જ કલા આવી જતી હોય તેમ તેઓ કરતાં હતાં. બંનેના હાથમાં એક જ મરેલું બાળક હતું તે સિવાય બન્નેની ગતિમાં કશો મેળ નહોતો. માત્ર, કલા વિનાનું, અર્થ વિનાનું, એ એક ભીષણ, અમંગળ, તાંડવ હતું !

શરૂઆતમાં તો મને એટલી કમકમાટી થઈ કે મારી બુદ્ધિ કામ કરી શકી નહિ. પણ પછી મને એક પછી એક પ્રશ્નો થવા લાગ્યા, ને કોઈ અગમ્ય રીતે તેના જવાબ મળતા ગયા. હું પ્રશ્નો વૈખરીથી પૂછતો નહોતો, મને જવાબ પેલાં સ્ત્રીપુરુષ આપતાં નહોતાં, છતાં જાણે એ તેમનો જ જવાબ જણાતો હતો, અને મને દરેક વખત જવાબ મળ્યે તેમના મોં પર જવાબ આપ્યાનો સંતોષ જણાતો હતો.

મને પહેલા પ્રશ્ન થયો “આ શેનું નૃત્ય છે?” જવાબ મળ્યો,—કહો કે—સમજાયો, “એ નવીન પ્રેમનું નૃત્ય છે.” વળી પ્રશ્ન થયો : “તો તેમાં આ બાળક શાનું?”

“એ એમના પ્રેમનું પ્રતીક છે.”