પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
દ્વિરેફની વાતો.

વિના ચાલી ગઈ. બે ત્રણ દિવસ પછી પાછી મને મળવા આવી ત્યારે, પહેલાં મળવા આવી ત્યારે હતી તેટલી જ ખુશમિજાજમાં તેને જોઈ એટલે પછી મારા મનનો વહેમ જતો રહ્યો. મેં તેને પૂછ્યું નહિ, પણ મારું કૌતુક દહાડે દિવસે વધતું ગયું.

એક દિવસ બપોરે મલ્લિકા મારે ઘેર હતી. અમે બન્ને એક કોચ પર બેઠાં હતાં. ત્યાં અમારી દૂધવાળી જીવી તેની નાની છ વરસની દીકરીને લઈને આવી. જીવી એક ખરેખર પ્રભાવશાળી વ્યક્તિ છે. ઊંચી અને કદાવર ! તેનું શરીર જુવાનીમાં જાડું નહિ પણ પુષ્ટ અને ભરાવદાર હશે. વર્ણે ગોરી છે, જાણે ક્યાંકની રાણી થવા સર્જાયેલી હોય એવી ગોરી અને ગંભીર ચાલે તે ચાલે છે. તેની ચામડી તેજસ્વી છે જોકે આંખના ખૂણાની કરચલી તેનો ઘરડાપો અને જીવનની ઉપાધિઓ સૂચવે છે. ત્રણેક વરસ ઉપર અહીં આવી ચડેલી. અમારે ઘર માટે અને દવાખાનાના દરદીઓ માટે ઠીક ઠીક દૂધ જોઈએ પણ દૂધ ખરાબ આવતું. અમને હંમેશનો અસંતોષ રહેતો. ત્યાં આ બાઈએ આવી ઘરાકી બાંધવાનું કહ્યું. ભાવ પણ તેણે જરાક ઓછો બતાવ્યો; અને મને તેના બોલવામાં શ્રદ્ધા આવવાથી મેં ડૉક્ટરને કહ્યું, ને ત્યારથી તેનું જ દૂધ અમે લેવા માંડ્યાં. કદી ભેગ નહિ, કદી બગડે નહિ. એના સામું જોઈ મેં કહ્યું. “કેમ આવી અત્યારે ?”

મલ્લિકા કહેઃ “તમે ઘણી વાર વાત કરો છો જે બાઈની તે આ?”

મેં કહ્યું : “હા, કેમ જીવી આજ આટલું વહેલું દૂધ કેમ લાવી ?”

જીવી કહે : “બહેન, દૂધ તો નીતને વખતે લાવીશ. આ તો મારી પાડી વિયાણી, તે કહ્યું લાવ બહેનને આપી આવું ! બળી કરીને શાબને ને છોકરાંને ખવરાવજો. પહેલવેતરી છે. નહિ તમારી પાસેથી પૈસા લઈને વેચાતી લીધી’તી,-એ પાડી ! રૂપાળી બળી થશે.”

મેં કહ્યું : “ઠીક, સારું. પાડીને શું આવ્યું? પાડી કે પાડો.”