પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
દ્વિરેફની વાતો


મેં તેને થોડી બળી ચાખવા કહ્યું, પણ અમારી આગળ ખવાય નહિ કહી માન્યું નહિ. મેં આપવા માંડી એટલે લ્યો, તમારો શુખન રાખું છું કહી બે ચોસલાં લઈ ચાલતી થઈ. હું તેને ઊંબરા સુધી વળાવવા ગઈ, ને એ મોટી ક્યાંકની અધિકારી હોય એવી નિર્ભય ચાલે ચાલી ગઈ. એને જતી જોઈ ને થોડીવાર પાછી ફરી કોચ ઉપર બેસવા જાઉં છું, તો મલ્લિકા બહુ જ ગમગીન બેઠેલી. મેં કહ્યું: સાંભળ્યું બહેન, બિચારાં ગરીબ માણસોને કેવી કેવી પીડાઓ હોય છે?” અને મલ્લિકાએ એકદમ જવાબ આપ્યો “માત્ર ગરીબને જ હોય છે એમ શા માટે કહો છો ? એણે કહ્યાં એવાં નસીબદારને પણ હોય છે, માત્ર એટલું કે એ નશીબદાર જ ખરાં કમનસીબ છે કે એનો કશો જ ઉપાય કરી શકતાં નથી !”

મેં કહ્યું: “સાચું કહે છે મલ્લિ ?” અમે એકબીજાને ટૂંકે નામે બોલાવીએ એટલા મિત્ર થયાં હતાં.

“સાચું જ નહિ પણ અનુભવથી કહું છું.”

“શું કહે છે!”

“હા; એ બોલતી હતી તે જાણે એકેએક મારી જ વાત કરતી હતી. એની પેઠે જ મને પણ સ્પર્શની સૂગ થઇ છે, એટલે વાત આવી છે. એની પેઠે જ મેં ઘણી યે વાર તિરસ્કારથી અને જુગુપ્સાથી કોઈ ચીજ કૂતરાને નીરી દઇએ, એમ મારો દેહ સોંપી દીધો છે. એની પેઠે જ મેં નાસી જવાનો વિચાર કર્યો છે ને નાસી શકી નથી. આજ સુધી બે વાતની મને શંકા હતી તે આજ સમજાઈ ગઈ. મને એમ લાગતું કે મારે છોકરાં ન થયાં, તેથી જીવનમાં જે બીજું આકર્ષણ થવું જોઇએ તે ન થવાથી મારી આ દુર્દશા હશે. પણ આજ સમજી કે એવું નથી. બીજું એ કે મને જરા આશા હતી, કે જ્યારે ઘરડી થઈશ ત્યારે આ દેહનું આકર્ષણ કંઈક એની મેળે ઘટશે. આજ એ બન્ને વાત ખોટી પડી છે. મારી નજર આગળ મને મારી પીડાનો કાંઠો દેખાતો નથી. હવે તે મૃત્યુ જ મને ઉગારી શકે.”