સાંજે ફરીને બધાં ધરમશાળામાં આવ્યાં. સુરદાસને પ્રસન્ન કરવા પરદેશીએ આજ થોડી મીઠાઈ લીધી હતી. ધર્મશાળામાં આવી ત્રણેય ખાવા બેઠાં. જમતાં જમતાં લોટો ઢળી ગયો હોવાથી પરદેશી પાણી લેવા ગયો.
આજ સવારથી સુરદાસ વહેમાયો હતો: બન્ને જૌનપુરનાં વતની છે, આજે રામપ્યારીએ કંઈક ખૂબ ઠઠારો કર્યો છે, રસ્તામાં પણ તે બની ઠનીને નાસી જવાનું જ ગાતી હતી, આજે મીઠાઈ લીધી છે તે રસ્તામાં ભાતા તરીકે કામમાં આવે માટે લીધી છે, આજે જ જરૂર આ પરદેશી રામપ્યારીને લઈને નાસી જવાનો છે એમ તેણે સાંકળો મેળવી રાખી. વહેમથી શરવા થયેલા કાને તેણે પરદેશીને ઊઠતાં સાંભળ્યો અને તરત પૂછ્યું: “ક્યોં ! પરદેશી, કિધર જાતે હો!” તેણે કહ્યું કે પાણી ઢળી ગયેલું હોવાથી તે ફરી ભરવા જતો હતો પણ એ જ વખતે તેનો વહેમ વધ્યો, ને તે વધારે ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યો. એટલામાં સૂની રામપ્યારીનો પડિયો કૂતરૂં ઉપાડી ગયું. રામપ્યારી તે લેવા એકદમ ઊઠી અને દોડી, તે સુરદાસે સાંભળ્યું. તેને થયું કે નક્કી રામપ્યારી પરદેશી પાછળ નાઠી. તેણે ફાટી જતે અવાજે એકદમ “રામપ્યારી” “રામપ્યારી” એમ બે વાર બૂમ પાડી. જવાબમાં રામપ્યારીએ “કયા હૈ ?” કહેલું પણ સુરદાસના અવાજમાં તેને હસતો ઝીણો અવાજ સંભળાયો નહિ. સુરદાસ એકદમ ધોકો ફેરવતો દોડ્યો, આ વિચિત્ર દૃશ્ય જોઈને રામપ્યારી હસી. સુરદાસે જોરથી લાકડી ફેરવી, તે જોઈ રામપ્યારી ફરી ખડખડાટ હસી. સુરદાસે બન્ને હાથે એક શબ્દવેધી ફટકો માર્યો, અને રામપ્યારી ફટકો પડતાં ત્યાંજ મરણ પામી. પાણી લઈ પાછા ફરતાં પરદેશીએ આ જોયું અને ફોજદારીમાં સંડોવાવું ન પડે માટે તે છાનામાનો નાસી જ ગયો.