ધનુભાઈ : કારણ સ્પષ્ટ છે. લોકોમાં વાર્તાની માગ વધી છે. એટલે લેખકો પોતામાં શક્તિ છે કે નહિ તે વિચાર્યા વિના, અને શક્તિની શ્રદ્ધા વિના, પરભારી પરદેશી વાર્તાનાં અનુકરણો કરવા માંડે છે. અને ટીકાકાર પણ પછી આવાં આવાં અનુકરણો શોધી કાઢવાં એ એક જ ટીકાની દૃષ્ટિ હોઈ શકે એમ માને છે. જેમ વેપારમાં આપણા લોકા સાચો વેપાર નથી કરતા પણ માત્ર પરદેશી વેપારની દલાલી કરે છે, તેમ આપણા વાર્તાલેખકો સાહિત્ય ન લખતાં સાહિત્યના અનુવાદો કરે છે. વેપારમાં તો પરદેશી માલ પણ ઘરાકોને મળે છે પણ સાહિત્યમાં તેટલું પણ નથી મળતું. એટલે પરદેશી માલ કરતાં આ પરદેશી અનુવાદો વધારે ખરાબ છે.
ધીરુબહેન : જેમ મહાત્માજીએ ખાદી પ્રવૃત્તિ શરૂ કરી તેમ તમે પણ એક શુદ્ધ ગુજરાતી વાર્તા ઉત્પાદક મંડળી કાઢો.
પ્રમીલા : હા, હા, ભાઈ! જરૂર કાઢો.
મેં કહ્યું : એ મશ્કરી ભલે કરતાં પણ હું ગંભીર છું, જરૂર એક ક્લબ કાઢો.
ધનુભાઈ : પણ આપણી વાર્તાઓ વાંચશે કોણ ?
ધીરુબહેન : મહાત્માજી કહે છે. દરેક ધરે ખાદી ઉત્પન્ન કરી પોતાની ખાદી પાતે પહેરવી જોઈએ. આપણી વાર્તાઓ આપણે વાંચીશું.
ધનુભાઈ : ખરેખર ક્લબ કાઢીશ હોં ! પછી મારી વારતા સાંભળવી પડશે. અત્યારે મારી સૌથી વખણાયેલી વાર્તા પણ નથી વાંચતાં તે નહિ ચાલે. તેનો અભિપ્રાય આપવો પડશે, વખાણવી પડશે.
મેં કહ્યું : પણ એક શરત. વાર્તા ક્લબ અહીં ભરાવી જોઈએ, અને... હું શુષ્ક ક્લબોને નથી માનતો, તેમાં પીણાં જોઈએ !