ધનુભાઈ : કબૂલ, મારે પીણાના પ્રયોગો કરવા છે, એટલે ઠીક પડશે.
મેં કહ્યું : આપણે બધામાં અભિપ્રાય આપવાના. પીણાનો પણ અભિપ્રાય અને વાર્તાનો પણ અભિપ્રાય.
ધનુભાઈ : એ નહિ ચાલે. વાર્તા કહે તે જ મેંબર થાય.
મેં કહ્યું : મારું નામ લખો. ગમે તેવી વાર્તા કહીશ પણ પીણું નહિ જવા દઉં.
ધીરુબહેનઃ બીજું મારું નામ લખો. તમે બધા વાતો કરો અને અમે રસોડામાં બેઠાં બેઠાં તમારાં પીણાં બનાવ્યા કરીએ તે નહિ ચાલે. તમારી સાથે બેસીશ અને પીણાં બનાવતી જઈશ.
ધનુભાઈ : પણ વાર્તા વિના દાખલ નહિ કરીએ. મને સૌની વાર્તાની નિંંદા કરવાની તક મળવી જોઈએ.
ધીરુબહેન : ચીનુ માટે મેં વાર્તાઓ બનાવી છે તેટલી તમે બધાએ મળીને હજુ બનાવી નહિ હોય.
ધનુભાઈ : ત્યારે આપણે ત્રણે મેંબરો થયાં. હું, તું અને વસંતભાઈ.
પ્રમીલા : હું કેમ નહિ ?
ધનુભાઈ : “પણ તું કંઈ અહીં હંમેશ રહેવાની નથી ! તું શી રીતે મેમ્બર તરીકે હાજર રહી શકીશ ?”
પ્રમીલા : કેમ ! મારે સાસરેથી વાર્તા લખી મોકલીશ.
ધનુભાઈ : લ્યો ત્યારે રહી ગયો એક ધમલો.
મેં કહ્યું : તેને પણ કરો. આપણે એવો નિયમ કરો કે જૂની વાર્તાઓ કરી શકે તે પણ મેંબર બની શકે. કેમ ધમલા ?
ધમલો : હા શાબ. તમારા જેવી નહિ પણ અમે ગામડાના લોકો કહીએ એવી કહીશ. મેં બહુ સાંભળી છે.