મેં કહ્યું : થયું ત્યારે નિયમો કરો.
ધનુભાઈ : બે જ નિયમો. કોઈ પણ માણસ—
પ્રમીલા : સ્ત્રી અથવા પુરુષ.
ધનુભાઈ : હા, કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ નવી વાત લખીને અથવા કહીને, અથવા આપણે નહિ સાંભળેલી જૂની વાર્તા કહીને, વાર્તા ક્લબનો સભ્ય થઈ શકશે. ક્લબમાં વાર્તા લખેલી વાંચી શકાશે અથવા મોઢેથી કહી પણ શકાશે, અને તેની ટીકા થશે. હાલ તેના પાંચ કાચા સભ્યો તે વાર્તા કહેતા જશે તેમ તેમ તેના સભ્ય થતા જશે.
મેં કહ્યું : હવે ત્યારે કોઈને પ્રમુખ નીમો.
પ્રમીલા : નીમો.
મેં કહ્યું : ધનુભાઈ.
પ્રમીલા : ધીરુ બહેન.
ધનુભાઈ : ત્યારે મત લો.
મતની ચીઠ્ઠીઓ લેતાં જણાયું કે હું અને ધનુભાઈ બન્નેએ ધનુભાઈને મત આપેલ, અને ધીરુબહેન પ્રમીલાબહેન બન્નેએ ધીરુબહેનને મત આપેલ.
મેં કહ્યું : ધીરુબહેન ! પોતે પોતાને મત ન આપવા જેટલું સૌજન્ય તો બતાવવું હતું !
ધીરુબહેન : તમે મને એકલીને જ કેમ કહો છો? તમારા મિત્રને કેમ નથી કહેતા ?
મેં કહ્યું : કેમ તમે ધનુભાઈને પ્રમુખને લાયક નથી માનતાં ?
ધીરુ બહેન : માનું છું અને મને પણ લાયક માનું છું.
મેં કહ્યું : ત્યારે તેમને મત કેમ ન આપ્યો?
ધીરુબહેન : તમને મારી લાયકાત છે એમ બતાવવાની તક મેળવવા.
મેં કહ્યું : એમ ! ઠીક ત્યારે હવે ધમલો મત આપે.