લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
દ્વિરેફની વાતો

માગું છું. મજલિસો હવે ગુજરાતમાં બહુ થઈ ગઈ. આનું નામ ‘મેહિફિલે ફેસાનેગુયાન' અને હિંદુમુસ્લિમ ઇત્તેફાકની ખાતર ઉમેરવું કે ‘ઉર્ફે વાર્તાવિનોદમંડળ.’ હવે એ વિષય બંધ કરું છું અને આ મેહફિલના મંત્રી ભાઈશ્રી વસંતરાય.

મેં કહ્યું : પ્રમુખ તરીકે ઠીક સત્તા બજાવવા માંડ્યા છો!

ધીરુબહેન : નહિ. હજી મારે કામ બતાવી આપવું છે.

મેં કહ્યું : કામ તો શું બતાવવાનાં હતાં ? વાર્તા તો ઓછી જ આજે ચાલી શકશે !

ધીરુબહેન : ધમલા ! તે દિવસે રસિકાબહેન કહેતાં હતાં કે તેં બે મિત્રોની વાત બહુ સારી કહી હતી. તે વાત કહે. બોલો કોઈએ એ વાત સાંભળી છે ? (કોઈ બોલતું નથી.) કોઇને વાંધો નથી. બોલ ધમલા. તું તારે નિરાંતે વાત કર. નકામો સંકોચ રાખતો નહિ.

મેં કહ્યું : મેઘાણીની પેઠે શૂરાતન ચડે એવી રીતે કહે.

ધીરુબહેન: નહિ ધમલા ! તને ફાવે તેવી રીતે કહે. આમાંથી કોઈ લડાઈમાં જાય એવા નથી.

બે મિત્રોની વારતા

ઉજ્જેણી નગરીમાં શીતલસિંહ અને ચંદનસિંહ બે રજપૂતો રહેતા હતા. બેને એવી ભાઈબંધી કે જાણે ખોળિયાં બે પણ જીવ એક. દી ઊગ્યા વગર રહે તો એ બે મળ્યા વગર રહે. હવે ભગવાનને કરવું તે એક દી શીતલસિંહ પાણીશેરડે જતો હશે અને સામેથી ચંદનસિહની વહુ બેડું ભરીને ચાલી આવે છે. શીતલસિંહ બાઈને જોઈ ગયો. આ બે ભાઈબંધ છે પણ કોઈ દી શીતલસિંહે ચંદનસિંહની બાઈડીને જોઈ નથી, તેમ એકબીજાને ઘેર કોઈ દી ગયા નથી. હમેશ સવાર સાંજ ગામને પાદર ભેગા થઈ ને ફરવા જાય, કે ઊજાણીએ જાય.