પણ એક બીજાને ઘેર કોઈ દી ગયેલા નહિ. હવે શીતલસિંહ તો ચંદનસિંહની વહુનું રૂપ જોઈને મોહી પડ્યો છે. ઘણોય મનને વાળે છે પણ મન વળતું નથી. “અરે, ભગવાન ! આ મને શું સૂઝ્યું છે ? નાત ન જાણું જાત ન જાણું, પરણી ન જાણું, કુંવારી ન જાણું, ઓળખાણ નહિ, પિછાણ નહિ, અને આ મને શું થયું ?” મનને ઘણુંય સમજાવે પણ મન માને નહિ. રાતદી એને વિચાર આવે. રાતે ઊંઘ ન આવે તો દિવસે ખાવું ન ભાવે. શીતલસિંહ તો દિવસે દિવસે સુકાતો ગયો.
એક દિવસ ઘોડે ફરતાં ચંદનસિંહે શીતલસિંહને કહ્યું : “ભાઈબંધ કહો ન કહો પણ તમારા મનમાં કંઈક ચિંતા છે. એવું શું છે જે અમારાથી ય છાનું રાખો છો ?” શીતલસિંહે કહ્યું કે એ તો દેહ છે, કોઈ વાર સારી રહે કોઈ વાર દૂબળી થાય. શીતલસિંહ માનતો નથી પણ છેવટે ચંદનસિંહે પોતાના સમ ઘાલ્યા ત્યારે શીતલસિંહે કહ્યું કે આમની વાત આમ છે. ચંદનસિંહે કહ્યું કે એમાં કહેતા શું નહોતા ? કહ્યા વિના કશાનો ઉપાય શી રીતે થાય ? ચંદનસિંહે બાઈનાં નામઠામ પૂછ્યાં પણ શીતલસિંહને તેની ખબર નથી. આવતી કાલ સવારે કાંઈ મિષે પાણીશેરડે ભેગાં થવાનું નક્કી કરી બન્ને ભાઈબંધો પોતપોતાને ઘેર ગયા.
બીજે દિવસે ચંદનસિંહ અને શીતલસિંહ પાણીશેરડે આવ્યા. ગામની પાણિયારીઓ ટોળે વળી વળીને બેડાં લઈને જાય છે. તેમાંથી પેલીને શીતલિસંહે ઓળખાવી. ચંદનસિંહ તરત ઓળખી ગયો અને તેના પેટમાં તો શેરડો પડ્યો. “અરે ભગવાન! આવા સંકટમાં મને ક્યાં મૂક્યો ? એક પા મિત્રધર્મ છે અને બીજી પા કુળની લાજ રાખવાની છે !” એ ઘોડા પર મૂંગો મૂંગો ચાલ્યો જાય છે. છેવટે શીતલસિંહે કહ્યું: “કેમ ભાઈબંધ! કાંઈ વિચારમાં પડી ગયા ?” ચંદનસિહે કહ્યું: