“એ તો એ બાઈ ક્યાંની હશે, તેને કેમ કરી મેળવવી તેનો વિચાર કરું છું.”
શીતલસિંહે કહ્યું: “અરે એવા વિચાર થાય ? મન તો ઢેઢવાડે જાય પણ તેનું કાંઈ કહ્યું કરાય ? એ વાત એટલેથીજ દાટી દ્યો હવે.” ચંદનસિંહે કહ્યું: “અરે એમ તે થાય હવે? એક વાર એ જોગ બેસારવા મથીશ તો ખરો. પછી કરવું ન કરવું હરિના હાથમાં છે.” શીતલસિંહે કહ્યું: “એ બાઈ કોણ હોય, ક્યાંની હોય, એવું જોખમ ખેડવાની શી જરૂર.” ચંદનસિંહે કહ્યું: “જોખમ વગર કશી વાત દુનિયામાં બનતી નથી. કાલ સાંજ વેળા આ વડલા હેઠ ભેગા થઈશું. ઈશ્વર કરશે તો કાલ નક્કી કરીને જ આવીશ.”
બન્ને છૂટા પડ્યા. ચંદનસિંહ ઘેર ગયો. જમવાનો વખત થયો ત્યારે ઠીક નથી કરી જમવા ન ગયો. સાંજે હંમેશની પેઠે બહાર ઘોડું લઈ ફરવા પણ ન ગયો અને વળી વાળુ પણ ન કર્યું. રાતે તેની સ્ત્રી તેને મળી. તરત કળી ગઈ કે પતિ કંઈક ચિન્તામાં છે. તેણે ન જમવાનું કારણ પૂછ્યું. ચંદનસિંહે કંઈ ખરો ખોટો જવાબ આપ્યો. સ્ત્રીએ છેવટે સમ દઈને પૂછ્યું. ચંદનસિંહે કહ્યું કે વાત કરતાં જીભ ચાલતી નથી, એવી ચીજ મેળવવાની છે. સ્ત્રીએ કહ્યું કે કોની પાસેથી મેળવવાની છે. સામ દામ ભેદ દંડથી જેની પાસેથી મેળવવી હોય તેની પાસેથી મેળવો, તેમાં ચિન્તા શી કરો છો ચંદનસિંહે કહ્યું: “એ ચારેય ઉપાયોથી પણ એ આસામી પાસેથી મેળવાય એમ નથી.” સ્ત્રીએ પૂછ્યું: “એવું કોણ છે?” ચંદનસિહથી કહેતાં શું કહેવાઈ ગયું કે એ બીજું કોઈ નહિ પણ તું પોતે છે. સ્ત્રીએ કહ્યું: “આ દીવાની શાખ્યે કહું છું જે કહેશો તે આપીશ. અને તમે ન માગો તો તમને વહાલાના સમ છે.” ચંદનસિંહ હાં હાં કરતા રહ્યો અને સ્ત્રીએ તો સમ દઈ દીધા.