પછી ચંદનસિંહે બધી વાત કહી, અને પૂછ્યું હવે શું કરવું? સ્ત્રીએ કહ્યું: “હું તો તમારી દાસી છું. તમારા વચનને આધીન છું. તમે તમારો મિત્રધર્મ બજાવો. મને સતીમા સુઝાડશે એમ હું કરીશ. તમારું વેણ અને મારી લાજ રાખનાર સતીમા છે.” ચંદનસિંહે કહ્યું: “શાબાશ છે સતી ! અને ભગવાન ગમે તેવા સંકટમાં મૂકશે તો પણ હું તારા સિવાય બીજી સ્ત્રી કરવાનો નથી.”
બીજે દિવસે ચંદનસિંહે શીતલસિંહને કહ્યું કે વાત બની શકશે અને રાતનો વાયદો આપ્યો. રાતે ચંદનસિંહ તેને પોતાના ઘર તરફ લઈ ગયો અને દૂરથી ઘર બતાવી દીધું. “ત્યાં એ જ બાઈ તમારી રાહ જોઈને બેઠી છે. રાતના કૂકડો બોલ્યે પાછા નીકળી આવજો.” એમ કહીને તેણે વગડામાં ઘોડો મારી મૂક્યો.
હવે શીતલસિંહ તો ચંદનસિંહના ઘરમાં જાય છે. અને ચંદનસિંહની પત્ની તેને સામી તેડવા આવે છે. તેને શયનભુવનમાં લઈ જઈ ને પલંગ પર બેસાડે છે. શીતલસિંહ તેને પાસે બેસવાનું કહે છે. ત્યારે તે કહે છે કે મેં છત્રીસ જાતનાં ભોજન કર્યાં છે તે એક વાર આરોગો પછી બેસીશ. પછી બાઈ તો થાળ લેવા નીચે જાય છે. અહીં બાઈ ગઈ એટલે શીતલસિંહને થયું કે બાઈ તો સારા ઘરનું માણસ લાગે છે. આ ઘર કોનું અને આ નાર કુંવારી છે કે પરણી છે? શીતલસિંહ તો ઊભો થઈને ચારે બાજુ જોવા લાગે છે. હવે આ ઓરડામાં ભૂલથી ચંદનસિંહની કટાર રહી ગઈ છે. એ કટાર જોઈ ને શીતલસિંહને થયું કે આ ઘર તો ચંદનસિંહનું અને આ પદમણી નાર બીજા કોઈની નહિ પણ ભાઈબંધ ચંદનસિંહની જ. શીતલસિંહને તો એકદમ પશ્ચાત્તાપ થવા માંડ્યો. શરીરે પરસેવાના ઝેબેઝેબ વળી ગયા. “અરે ભગવાન મને આ શું સૂઝ્યું ? મેં તળશીક્યારો જ અભડાવ્યો ! હે જોગમાયા હવે મારે શું કરવું? હું શું મોઢું