વાર્તા કહેવાઈ રહ્યા પછી થોડી વાર તો સૌ શાન્ત રહ્યાં. છેવટે ધીરુબહેન બોલ્યાં : હવે વાર્તા ઉપર ટીકા કરો.
મેં કહ્યું : જૂની વાર્તાને આપણે બધા વખાણીએ છીએ પણ આધુનિક અવલોકન દૃષ્ટિએ તેની ટીકા કરીએ તો ભૂલો ઘણી નીકળે.
ધનુભાઈ : લ્યો ત્યારે ભૂલો કાઢો.
પ્રમીલા : મને તો આ વાર્તા જ ખરાબ લાગે છે. મિત્રની ખાતર પત્નીનું આટલું અપમાન!
ધનુભાઈ : અત્યારની આપણી સ્ત્રીભાવનાથી આનો વિચાર ન કરો. તે સમયે સ્ત્રી ઉપર પતિની સર્વતોમુખી સત્તા હતી. અને પુરુષો જુગારમાં સ્ત્રીઓને હોડમાં મૂકતા તે કરતાં આ વધારે ખરાબ નથી. વળી પુરુષનો પત્ની સાથેનો સંબંધ વાતનું મુખ્ય રહસ્ય નથી, તેનો મિત્રભાવ એ મુખ્ય છે. અને એ મુખ્ય પ્રયોજન પાર પડ્યું છે કે નહિ એ જોવું જોઈએ. તે સમયની ભાવના, તે સમયના વિચારો, સમાજસ્થિતિ, એમાં કલ્પનાથી મુકાઈને આપણે ટીકા કરવી જોઈએ.
મેં કહ્યું : કબૂલ. હું તેને દોષ કહેતો નથી, પણ વિચારો. બે મિત્રો હોય અને એકબીજાની પત્નીને ન ઓળખતા હોય એવું તે બને?
ધીરુભાઈ : બન્નેને પત્ની હતી એમ વાર્તામાં કહ્યું નથી.
મેં કહ્યું : ભલે પણ એકની પત્નીને બીજો ઓળખતો ન હોય એમ ન બને.
ધનુભાઈ : ઓઝલના રિવાજવાળી કોમમાં એમ બને પણ ખરું.
પ્રમીલા : ઓઝલ હોય તો પાણી ભરવા ન જાય, જાય તો પણ તેનું મોં કોઈ જોઈ શકે નહિ.