લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડલ

નક્કી કરેલા સમયનું. આપણે પહેલેથી સમય નક્કી કર્યો નહોતો પણ અમે મેહફિલની વાતો કરતાં હતાં ત્યાં જ તમે આવી પહોંચ્યા. એટલે વખતસર.

મેં કહ્યું : ધનુભાઈ, હવે આ બન્ને વખતસરપણાં માટે જુદા જુદા શબ્દો યોજો.

ધીરુબહેન : હમણાં જ વસંતભાઈએ દોષ કાઢ્યો છે તે એક વાર મેહફિલનું સ્થાન નક્કી કરો.

ધનુભાઈ : મારા અભ્યાસખંડમાં.

પ્રમીલા : નહિ, અમારા ખંડમાં.

મેં કહ્યું : હું બીજાથી સ્વતંત્ર મત બાંધી શકું છું એમ બતાવવા કહું છું કે ચીનુની રમકડાંની ઓરડીમાં.

ધીરુબહેન : નહિ. તમે બધાંએ કેવળ વ્યક્તિદૃષ્ટિથી અને જરા પણ કારણ બતાવ્યા વિના મત આપેલ છે. હું કારણ સાથે અને મારા નિર્ણય તરીકે કહું છું કે મેહફિલ રસોડામાં ભરાવી જોઈએ. પ્રમુખનું અને પીણાં બનાવવાનું બન્ને કામો મારે કરવાનાં છે. વાતો કરતાં પણ કામ ન પડ્યું રહેવું જોઈએ એ સિદ્ધાંત પુરુષોએ અમારી પાસેથી શીખવો જોઈએ. સ્ત્રીઓ એકબીજીને મળવા જાય ત્યારે ત્યાં જે કામ ચાલતું હોય—ઘઉં વીણવાનું સીવવાનું રાંધવાનું—તેમાં મળવા આવનાર હાથ દેવા લાગે છે. તમે પુરુષો એકબીજાને મળવા જાઓ ત્યારે ચાલુ કામ બંધ કરો છો. માટે હંમેશાં ગૃહિણી પણ ભાગ લઈ શકે તેવી દરેક મિજલસ તે જ્યાં બેસતી હોય ત્યાં ભરવી જોઈએ. આ મારો નિર્ણય. માટે એકવાર તો રસોડામાં ચાલો. ચાલ ધમલા, આપણે પાટલા માંડીએ.

મેં કહ્યું : આ પ્રમુખસાહેબ સારાં. જાતે જ પોતાનું અને મેફહિલનું પણ બધું કામ કરી લે.