લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડલ

ધીરુબહેન : કોણે લખેલો છે ?

મેં કહ્યું : મ’મ નામના તખલ્લુસથી આવેલો છે.

ધનુભાઈ : હું વાંધો લઉં છું કે તખલ્લુસવાળો પત્ર ન ચાલે. આપણે તો સાચું નામ જોઈએ. તે વિના કોઇને સભ્ય શી રીતે કરી શકીએ ?

પ્રમીલા : હં. હં. તમે તમારે એમ કરીને વાત લંબાવો ને ! ભાભી ! આ વાંધો ખોટો છે. આપણું મંડલ વાર્તાવિનોદમંડળ છે અને વાર્તાસાહિત્ય નવ્વાણું ટકા તખલ્લુસવાળું હોય છે. કેટલાક લેખકોને તખલ્લુસ કાઢી નાંખવાનું કહો તો વાર્તા જ ન લખે. મારે મન ધૂમકેતુ અને તણખા એ અવિશ્લેષ્ય વસ્તુઓ છે.

ધીરુબહેન : હવે કોઈ ને કાંઈ કહેવું છે?......તો ત્યારે મારો નિર્ણય કે માત્ર તખલ્લુસવાળી વાર્તા મંડળમાં વાંચી શકાય, પણ સભ્ય થતી વખતે તો ખરું નામ આપવું જ પડે.

મેં કહ્યું : લ્યો થયું ?! ત્યારે જુઓ, આ વાર્તા તો મારે વાંચવી પડશે ખરું ને?

ધીરુબહેન : વાંચો.

મેં વાંચવું શરૂ કર્યું.

[]શ્રી મંત્રીજી,

વાર્તાવિનોદમંડલ. મુ. પ્રસ્થાન.

[ ધીરુભાઈ : મુકામ પ્રસ્થાન એ વદતોવ્યાઘાત છે. મુકામનો અર્થ સ્થાયી રહેવાનું ઠામ થાય છે, અને પ્રસ્થાનનો અર્થ ચાલવા માંડવું એવો થાય છે. એટલે મુકામ પ્રસ્થાન કહી જ ન શકાય.

  1. ૧ અહીંથી શરૂ થતું બધું લખાણ વાર્તા પૂરી થાય ત્યાં સુધીનું મ’મ તખલ્લુસધારીનું છે. વચમાં વચમાં વાર્તા–વિનેાદ મંડલનાં સભ્યોએ કરેલ વાતચીત [ ] આવા કૌંસમાં છે તે મેં મૂકી છે,-તેને માટે સંમતિ હોવાથી.દ્વિરેફ