કહીએ છીએ, તેમ પ્રસ્થાન ભલે ફરતું રહે, અને તેમાં વાર્તા મુકામ કરી શકશે.
મેં કહ્યું : ત્યારે આગળ વાંચું છું.]
અમે પણ અહીં એક મંડળ, તમારું મંડળ નીકળ્યું તે પહેલાં, કે’ દિવસનું, કાઢ્યું છે.
[ પ્રમીલા : કૌમુદી સેવક સંઘની માફક પહેલા બીજાનો પ્રશ્ન નીકળ્યો કે શું?
ધનુભાઈ : જો એવો પ્રશ્ન નીકળે તો એકદમ જ કબુલ કરી દો, કે ભાઈ, તું જ પહેલો. આપણામાં કોઈ હાથમાં દેવતા લે તેમ નથી.
ધીરુબહેન : અરે ધમલો હંમેશ ચલમ સળગાવતાં હાથમાં દેવતા લે છે.
મેં કહ્યું : જુઓ, આ વચમાં બોલવા દેવાનો ગેરફાયદો. આમાં કંઈક જુદી જ વાત છે.
ધીરુબહેન : ત્યારે સાંભળો સાંભળો.]
અમારું મંડળ નર્યું વાર્તાવિનોદ મંડળ નથી. અમારું તો વાર્તા-મંડળ છે. એટલે એમાં વિનોદ કરવો હોય તો વિનોદ કરીએ; વિરોધ કરવો હોય તો વિરોધ કરીએ. મર્યાદા કશી નહિ. વાર્તા નવી હોય, જુની હોય, મૌલિક હોય, મોટા લેખકની હોય કે નાના લેખકની હોય, વાર્તાનું અમે ગમે તેમ કરીએ.
કેટલાક વિદ્વાન સાક્ષરોનો મત અમારા જાણવામાં આવ્યો છે કે એક જ જાતનાં માસિકો ભેગાં કરી દેવાં જોઈએ, જેથી દેશની શક્તિનો દુર્વ્યય ન થાય. તે ઉપરથી આ એક જ જાતનાં મંડળો ભેગાં કરવાને આ ઉપરથી સૂચના કરીએ છીએ. અમારા મંડળમાં વાર્તા કહેનાર માત્ર હું છું. બીજાઓ તેમાં હા એ હા ભેળવે છે એટલે મારી વાર્તા સારી ચાલે છે.