બોલી હતી: “ મારે પીટ્યે, મોંએ ડૂચો મારી, ચીભડું વાઢે એમ નાક વાઢી લીધું.
એ કલંકિત થઈ ન હતી. કોઈ કદી એને કલંકિત કહેતું નહિ. છતાં આ “મીઠી આફત એને આશીર્વાદ સમાન નીવડી.” દીકરાની એટલું પૂછવાની હિંમત ન ચાલી કે, મા, તારું આ નાક કાણે વાઢ્યું ? અને શેઠ તો ઊલટા ખુશી થયા કે, “ હાશ, મારે આ સ્ત્રી ઉપર મોહ કરવા મટ્યો.”
નોકરડીએ પોતાના છોકરાને પરણાવ્યો. ઘરમાં વહુ આવી. વહુનાં મહેણાં સાસુને વસમાં લાગે જ. વહુ સાસુને ગમેતેમ રાખતી તો પણ તે “ખરાબ ન હતી.” સાસુએ બધું મૂંગે મોંએ દીકરાની ખાતર સહન કર્યું. પણ વહુએ જ્યારે, “તમારી જેમ નાક કપાવ્યું નથી” એમ કહ્યું ત્યારે સાસુએ આપઘાત કર્યો. આપઘાત કરતાં પહેલાં એ બાઈએ લખતાં વાંચતાં શીખી લીધું હતું કે જેથી એક “ચબરખી” ઉપર લખીને તે પોતાની સત્ય હકીકત જાહેર કરી શકે. વાર્તામાં ચબરખી મૂકી જવાની પ્રથા જાણીતી છે એ ભૂલવાનું નથી. દીકરો તો ભણ્યો ન હતો કેમકે તે એક નોકરડીનો દીકરો હતો. તેથી જ્યારે ઘરમાં ચબરખી પડેલી જોઈ ત્યારે તે એકદમ પોતાના શેઠ પાસે દોડી ગયો અને તેમના હાથમાં “પેલી ચબરખી” મૂકી.
શેઠને ચબરખી વાંચીને બહુ જ આઘાત લાગ્યો. “હેં” એવો ઉદ્ગાર તેમના મુખમાંથી નીકળી ગયો. “ચીઠ્ઠી નીચે જઈ પડી.” “થોડીવાર કાંઈ બોલી શક્યા નહિ” અને “ટગર ટગર જોઈ રહ્યા.” લાગણીનો આ ઉભરો ગમે તેવા સ્વાર્થી અને કામી પુરુષને છાજે એવો હતો. શેઠ બોલી ઊઠ્યા નહિ પણ મનમાં ને મનમાં સમજ્યા કે, “સતી જેવી આ નોકરડી જો જીવતી થાય તો મારું સર્વસ્વ એને આપી દઉં. ભલે એનું નાક કપાઈ ગયેલું હોય.”