છોકરો : બાપા, કહેતા’તાને ચા પિવડાવીશ !
પરશો૦ : જો, એ તો તમારી ચિંંતામાં ને ચિંંતામાં ચા પીધા વિના આવ્યો છું. કેમ હજી તમે ચાની કશી ય તૈયારી નથી કરી ? કે અત્યારમાં પીને બેઠાં ?
અનન્ત૦ : ના માસા, અમે તો ચા પીતાં જ નથી.
લલિતા : ભાઈ ઘણીવાર મુંબઇથી જતાં આવતાં ગાંધીજીના આશ્રમમાં થોડું રહેતા. અને ત્યારથી ચાકૉફી બધું ય છોડી દીધું છે.
પરશો૦ : હા, તેમાં શું ખોટું કર્યું? હું યે નહોતો પીતો, પણ આ દમનો વ્યાધિ થયો ત્યારથી પીવા માંડ્યો છું, કાંઈ ટેવ નથી પડી, પણ સવારે પીઉં ખરો. પણ જુઓ ! ગાંધીની બીજી વાત કશી ન કરશો હોં! હોય એ તો પ્રતિષ્ઠાની ખાતર બધું ય કરવું પડે. આપણા તનમનશંકર દવે સાહેબલોકોને ત્યાં જાય આવે, પણ બધું ત્યાં. અહીં આવે ત્યારે અહીં જેવા! કોટ પાટલુન પહેરે, પણ અંદર ધોતિયું રાખે. આ એમ બધું સમજવાનું છે. તમે ગાંધીમાં ભળો તેની ના નથી, પણ આપણી મુદ્દાની વાત ન ભૂલવી.
લલિતા : ( અનન્ત૦ને ન બોલવા દેવા માટે ) ના રે, માસા! એવું તે હોય? જેવો દેશ એવો વેશ.
પરશો૦ : સો વરસની થા મારી બાઈ! એ ઢેઢ ભંગિયાંને ધંધા માટે અડવું પડે તો અડવું, પણ નાતમાં નાત જેવાં થઈ ને રહેવું!
ખડકીમાંથી “કાં વરરાજા, ખુશીમાં તો ખરાને ?” એવા અવાજ સાથે જયંતીલાલ, મુકુટરામ, મનહરરામ, છોટાલાલ એ ચારે ગામના જુવાનો દાખલ થાય છે. બધાને માથે ચોટલી છે પણ છોટાલાલે ચોટલી આસપાસ ઘારી રખાવી છે, મુકુટરામે કપાળ કોરાવીને ચહેરો કઢાવ્યો છે ને જયંતીલાલ અને મનહરરામ બાબરી બરાબર ઓળીને સેંથી પાડીને આવ્યા છે. બધાએ માત્ર પોતડી પહેરી છે, તેમાં