છોટાલાલે જાડા પાણકોરાની, અને બીજાઓએ ઓછીવત્તી જાડી પાતળી અને જુદી જુદી જાતની કોરની. બધાની પોતડીઓ રાતની પહેરેલી એટલે કલોચડીવાળી છે. બધા જુવાનો વારંવાર લલિતા સામું જો જો કરે છે.
જયંતી૦ : કાં પશાકાકા ! અત્યારમાં આવી પહોંચ્યા છો કાંઈ ?
પરશો૦ : ( પડેલ મોઢે અને સાદે ) એ તો મારો દીનુ કહે વરરાજાને જોવા છે તે હું અહીં લઈ આવ્યો.
દીનુ : ના હું તો ચા પીવા આવ્યો છું.
મુકુટ૦ : કેમ પશાકાકા ! એકલા એકલા ચા પીવા ચાલ્યા આવ્યા ! જજમાનને ઘેર દક્ષિણા ઓછી થાય, કાંઈ ચાનો પ્યાલો ઓછો ન થાત !
પરશો૦: પણ વરરાજા તો સુધરેલા છે. એમને ···
મુકુટ૦ : હવે સુધરેલું તો કોણ નથી ? જુઓ આ આપણા ગામમાં જ જુઓ. અપટુ ડેટ કીટલીમાં નાંખીને ચા પીનારા ( મનહરને બતાવીને ) આ આપણા મનહરકાકા. સાહેબ લોકને પણ એમના જેવો ચાનો શૉખ નહિ હોય ! ઘાંયજાનો લાગો બંધ કરીને હાથે હજામત કરનારા આપણા ગોવિંદરામ. ને ઠેઠ ગવર્નરની લેવીમાં બેસનાર મિસ્ટર તનમનશંકર પણ આપણા જ ગામના. હવે સુધારામાં શું બાકી રહ્યું છે?
પરશો૦ : પણ આ તો ગાંધીનો સુધારો છે.
છોટા૦ : તે ગાંધીના સુધારામાં ય આપણા દૈવજ્ઞો પહેલા આવવાના. ગાંધીએ સ્વદેશી માલ પહેરવાનો કહ્યો પણ મેં કોઈ દિવસ પાણકોરા વિના બીજું કશું પહેર્યું નથી.
અનન્ત૦: પણ ગાંધી તો ઢેઢને અડવાનું કહે છે!
મુકુટ૦ : તે આપણા પશાકાકા હમેશાં ઢઢવાડે જાય છે. પૂછો એમને. ઢેઢમાં એમણે દોઢ હજારની ધીરધાર કરી છે.