હીરો તો તમારે જોવા જેવો છે. એ તો આપણી નાત એવી નગુણી છે, તે હજી કુંવારો રહી ગયો છે.
મનહર૦: ( ખડખડાટ હસીને ) જોવા જેવો તે કેવો જો ! ( અભિનય સાથે ) આ...મ ત્રાંસી આંખો કરીને ઊભો રહે ત્યારે અર્જુન બાણાવળી જેવો લાગે.
જયંતી૦ : વરરાજા ! અમારે પશાકાકાને વરદાન છે. કોઈ વાતમાં હીરાની સગાઈની વાત આવ્યા વિના ન રહે. અમારે જેમ ગામના બધા રસ્તા તરભેટે ભેગા થાય છે, એમ એમની બધી વાતોમાં હીરાની સગાઈની વાત આવવાની.
અનન્ત૦ : પણ માતાનો ને આપણો સંબંધ શો છે તે તો કહો.
મુકુટ૦ : વાણિયા, જેમ વેપાર પેઢી દર પેઢી ચલાવે, એમ આપણા ઘૈડિયાને કાંઈ મૂડી તો આપવાની નહિ, પણ બે ધંધા એવા શોધી કાઢ્યા કે યાવચંદ્રદિવાકરૌ ચાલ્યા કરે. એક આ આશાપુરી માતા, ને બીજો જ્યોતિષનો. બે પૈસાનું ટીપણું લીધું, કે આ ચાલ્યો.
છોટા૦ : અરે બે પૈસાનું ય નહિ ! ચૈત્રી પડવે એ ય દાનમાં મળે.
અનન્ત૦ : પણ આ ઢેઢોની શી વાત છે?
મુકુટ૦ : વાત શી હોય ? એ તો પશાકાકા અમથા ચીકણાઈ કરે છે. મેં સૌથી પહેલાં ઢેઢોને માનતા કરતા કર્યા. પણ એ કાંઈ મંદિરમાં નથી આવતા ! મંદિરથી છેટે પાળિયા છે ત્યાં ઊભા રહી દીવાનાં દર્શન કરે છે. અને પશાકાકાને બીક લાગે છે કે ક્યાંક એમનાં ઘરાક હું લઈ લઈશ. બાકી નાતમાં કોઈ એ વાંધો લીધો નથી.
જયંતી૦ : વિદ્વાનમાં વિદ્વાન ત્રિભુવનકાકાએ પણ નાકનું ટેરવું રાતું કરીને છાંટીને નાળિયેર લઈ લીધું’તું.