અનન્ત૦ : કશી જરૂર નથી. લલિતા પણ નથી પીતી.
પરશો૦ : વરરાજા ! અહીંં જ મગાવવી’તી ને! તમે ન પીઓ તેમાં શું થઈ ગયું ? બે ઘડી બધા તમારે ત્યાં બેસીને પીએ, તે સારું દેખાય ને !
અનન્ત૦ : અલ્યા પણ એક ભૂલ થઈ ગઈ. અમે નથી પીતાં પણ તમે તો પીઓ છો ! એમ કરો. મનહરને બીજો એક આનો આપો. ને તમારી પણ ચા કરાવો.
લલિતા : ને જુઓ, મારાં માશીને પણ લેતા આવજો. એ બીચારાં એકલાં પોતા સારુ ક્યાં કરશે !
પરશો૦: તે ધીરુને ય લેતો આવીશ. ને બધાને અહીં ચા લાવીને પીવાનું કહીશ. એ જ સારું દેખાય. લ્યો હવે ઝટ જાઉં. એ તો પાછા કહેશે વહેલું ક્યમ ન કહ્યું !
સમય તે જ દિવસ સાંઝનો, સ્થળ આશાપુરીનું મંદિર. જૂની ઢબના સાદા મંદિરને રંગરોગાનથી નવું કર્યા જેવું જણાય છે. મંદિર નાનું છે. તેનો રંગમંડપ નાનો છે. અને ગર્ભદ્વારના અંધારામાં ગોખલામાં ચૂંદડી ઓઢેલ આશાપુરી માતાની મૂર્તિ ઘીના દીવાથી ઝાંખી દેખાય છે. ગર્ભદ્વારમાં હાથમાં પાનાં રાખી છોટાલાલ એક ધાબળી પહેરી ચંડીપાઠ કરે છે. મનહરરામ વારંવાર આળસ મરડે છે, બગાસાં ખાય છે, ને ગણગણતો આચમની વતી પાણી નાંખતો જાય છે. જયંતીલાલ ઘડીમાં પાનાં ઝાલી ગણગણે છે, ઘડીમાં બહાર આંટો મારી આવે છે, સામે અરીસો જોઈ ઘડીમાં વાળ ઓળે છે ને ઘડીમાં સરખા કરે છે. દૂર જરા જરા વાદળાં છે.
જયંતી૦ : અલ્યા હજી વરરાજા ન આવ્યા!