મનહર૦ઃ હવે આવ્યા સમજો. સાંઝે ફરવા જવાની ટેવ એટલે સાંઝ પડ્યે બહાર નીકળે.
જયંતી૦ : મને નહિ ખબર અલ્યા હોં ! કે લલિતા આવડી મોટી થઈ હશે. બે છોકરાંની મા જેવડી છે.
છોટા૦ : તેમાં તને શેની આટલી બધી સગવગ થાય છે? કાંઈ તને નથી પરણાવવાનો !
જયંતી૦ : ભલે ને, મને નહિ પરણાવે પણ નાત બહાર ઓછું જવાય એવું છે ! નાતમાં વરમાં વર તો એક તનમનશંકર છે, તે બીજવર, ને ઘેર એને વેચી આવે એવડા મોટા છોકરા છે. બીજા આપણા અર્જુન બાણાવળી હીરાભાઈ.
છોટા૦ : ને પેલા પાર્વતીશંકર નહિ કે?
જયંતી૦ : એના છ ભાઈ કુંવારા મરી ગયા, ને હવે એને કોઈ પરણાવે ? એના બાપનો વંશ રહ્યો એ ઘણું છે.
ત્યાં દૂરથી કોઈ આવતું જણાય છે. બધા પાનામાં મોઢું ઘાલીને ગણગણવા માંડે છે અને પેલો માણસ નજીક આવતો જાય છે તેમ ગણગણાટ મોટો થતો જાય છે. એ કણબી છે. દર્શન કરી પૈસા નાંખી ગર્ભદ્વારમાં ડોકિયું કરી કહે છે.
કણબી૦ : મહારાજ પાઠ કરવા આવ્યા છો કે?
જયંતી૦ માથું ધુણાવી હા કહે છે. એ ચાલ્યો જાય છે એમ ખાત્રી થતાં
જયંતી૦ : તે એ મોટી કરીને કરશે શું?
છોટા: ‘કરશે શું’ શું ? મુંબઈમાં રહે છે તે કોઈ સાહેબ લોકને પરણાવશે.
જયંતી૦ : અલ્યા સાંભળો. આ નાતમાં એવું થવું જોઈએ, કે અંતુને કહેવું જોઈએ, કે તારી બહેનને કોઈ સાથે પરણાવ. (વાતમાં રસ આવતો જાય છે તેમ તેમ બધા હાથમાં પાનાં રાખીને પાસે પાસે આવતા જાય છે.) શું નાતમાં વરનો દુકાળ પડ્યો છે? એની મરજીમાં આવે એને પરણાવે. નહિતર