ત્રિભુ૦ : હા માળું ! લ્યો ત્યારે હું તો જાઉં છું. મારે હજી મહાદેવે જવું છે. તમે સાચવીને આવજો. (જાય છે. સામે જ અનંતરાય મળે છે. તેને) અરે વરરાજા, આવામાં ક્યાં નીકળ્યા?
અનન્ત૦ : મારે ફરવા નીકળવું’તું તે કહ્યું ભેગો ભેગો આશાપુરીની જગા જોતો જાઉં.
જયંતી૦: મનહર૦: છોટા૦: |
(એક સાથે) આવો આવો વરરાજા! અમે તમારી જ રાહ જોતા હતા. |
અનન્ત૦ : હા લ્યો, આ આવ્યો. હવે બતાવો તમારી જગા. (ઊંચે જોતાં) આ મંદિર તો પ્રાચીન દેખાય છે. પણ તમે રંગના લપેડા કરીને એને બગાડ્યું છે. એની જૂની કારીગીરી રહેવા દીધી હોત તો સારું દેખાત. આ તો રંગથી બધુંય છંદાઈ ગયું છે.
જયંતી૦ : પેલા ભાટિયાએ માનતા માની હતી. તેની પાસે જીર્ણોદ્ધાર કરાવતી વખતે આ રંગ દેવરાવેલો.
અનન્ત૦ : લ્યો ચાલો ત્યારે હવે ફરીએ. આસપાસની જગા જોઈએ. અહીંથી નદી કેટલે થાય ?
છોટા૦ : હજી અમારે તો પાઠ અધૂરો છે. થોડીવાર લાગશે.
અનન્ત૦ : (સૌના હાથ ઝાલીને) લ્યો ચાલો ચાલો હવે. ઘરડા તો જાણે માને, પણ તમે જુવાનો ય આવા પાઠબાઠની વાતો કરો છો !
જયંતી૦ : હું તો કશું યે નથી માનતો. પણ આ ત્રિભુવન કાકા જેવા આવે ત્યારે જરાક કરવું પડે.
અનન્ત૦ : ( મશ્કરીમાં ) જો કરવું જ પડતું હોય તો હું એક રસ્તો બતાવું. આખો ચંડીપાઠ ફોનોગ્રાફની પ્લેટમાં ઉતારી નાંખવો, ને પછી જ્યારે પાઠ કરવો હોય ત્યારે પ્લેટો એક પછી એક ચડાવી દેવી.